ગાંધીનગરમાં જુગારધામો પર LCBનો દરોડો:વાવોલમાં IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, સેક્ટર-20માં રિક્ષાની આડમાં ચાલતા વરલી મટકાના નેટવર્કનો પર્દાફાશ

Gujarat5/24/2026, 5:54:32 AM
ગાંધીનગરમાં જુગારધામો પર LCBનો દરોડો:વાવોલમાં IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, સેક્ટર-20માં રિક્ષાની આડમાં ચાલતા વરલી મટકાના નેટવર્કનો પર્દાફાશ
IPL ક્રિકેટ મેચોની ધમધમતી સીઝન અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB-2)ની ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. એલસીબીની ટીમોએ શહેરના સેક્ટર 7, 21 અને 20 સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન વાવોલમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને અને સેક્ટર-20માંથી ઓટો રિક્ષાની આડમાં વરલી-મટકાનું હરતું-ફરતું નેટવર્ક ચલાવતા તત્વોને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાવોલમાં પંજાબ વિરૂદ્ધ લખનૌની મેચ પર સટ્ટો રમતો સટોડિયો દબોચાયો એલસીબી-2ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, વાવોલ ગામ ખાતે આવેલી 'વાવોલ બેકર્સ' બેકરીની સામે એક ઇસમ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાઇવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને સટોડિયા સફલ મહેન્દ્રભાઈ પટેલ (રહે. સાલ્વીક હોમ્સ, વાવોલ) ને જે-તે સ્થિતિમાં જ દબોચી લીધો હતો. મુખ્ય લાઇન આપનાર બુકી સુધી પહોંચવા ચક્રો ગતિમાન પોલીસે તેના મોબાઇલ ફોનની તપાસ કરતાં 'point247' નામની ક્રિકેટ સટ્ટાની ઓનલાઇન એપ્લિકેશન લાઇવ ચાલુ મળી આવી હતી. આ એપ્લિકેશનમાં યુઝરનેમ jkdv8020 અને પાસવર્ડ safal1234થી લોગઇન કરાયેલું હતું, જેમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની લાઇવ મેચ પર પૈસાની હાર-જીતનો જુગાર રમાતો હતો. આ આઇડીમાં ₹38,188નું બેલેન્સ હતું અને લાઇવ મેચના સ્કોરની નીચે સતત સટ્ટા બજારના ભાવો બદલાઈ રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આ સટ્ટા નેટવર્કની મુખ્ય લાઇન આપનાર બુકી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સેક્ટર-20માં ઓટો રિક્ષાને જ બનાવી દીધી જુગારની ઓફિસ બીજી તરફ, એલસીબીએ સેક્ટર-20માં આવેલા શોપિંગ સેન્ટરની પાછળ જાહેરમાં ઓટો રિક્ષાને જ જુગારની ઓફિસ બનાવીને ધમધમતા વરલી-મટકાના નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. રિક્ષા ઊભી રાખીને કેટલાક શખ્સો ગ્રાહકો પાસેથી વરલી-મટકાના આંકડા લેતા હોવાની બાતમી મળતાં જ પોલીસે રેડ પાડી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ એલસીબીની ટીમે કોર્ડન કરીને વરલીના આંકડા લખનાર ઇસમ મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ અરજણજી રાઠોડ (રહે. બોરીજ)ને સ્થળ પર જ ઝડપી લીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના રોકડા ₹12,338, આંકડા લખેલી જુદી જુદી ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને પેન સહિતનું સાહિત્ય જપ્ત કર્યું છે. સ્થાનિક પોલીસની નાકની નીચે ચાલતું હતુ જુગારધામ આ સમગ્ર ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, સેક્ટર-20નું આ શોપિંગ સેન્ટર હંમેશાં લોકોથી ધમધમતું રહે છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ગાડીઓ આ વિસ્તારમાંથી દિવસમાં અનેકવાર પસાર થાય છે. આમ છતાં, એક ઓટો રિક્ષાની આડમાં ખુલ્લેઆમ ચાલતા આ હરતા-ફરતા જુગારધામની સ્થાનિક પોલીસને ગંધ સુધ્ધાં આવી નહોતી. સ્થાનિક પોલીસની નાકની નીચે જ આ આખું જુગારધામ ચાલતું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, હવે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ અને તેમની શંકાસ્પદ નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઊભા થયા છે.
Read Original Article →