વડસર એરફોર્સ રોડ પર હિટ એન્ડ રન, ડિઝાઇન એન્જિનિયરનું મોત:અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા યુવક વાહન સાથે ડિવાઈડર કૂદી સામેના રોડ પર પટકાયો
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં વડસર એરફોર્સ સ્ટેશનથી લપકામણ તરફ જતા રોડ પર ગઈકાલે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નોકરી પરથી છૂટીને એક્ટિવા પર પોતાના ઘરે પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવકને પાછળથી કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી જોરદાર ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર ઇજાઓ થવાના કારણે યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અંગે સાંતેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક્ટિવા ડિવાઇડર કૂદીને સામેના રોડ પર જઈ પટકાઈ
મળતી વિગતો અનુસાર, કલોલના છત્રાલ વિસ્તારમાં આવેલી 'ઉમા ટેકનોફ્રેમ કંપની' માં છેલ્લા ચાર વર્ષથી ડિઝાઇન એન્જિનિયર તરીકે નોકરી કરતા અને ઉવારસદ ગામના નાની ખડકી વિસ્તારમાં રહેતા મીતકુમાર બિપિનભાઈ પટેલ પોતાની નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વડસર એરફોર્સ સ્ટેશનથી લપકામણ તરફ જતા માર્ગ પર કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને તેમની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની સ્પીડ એટલી વધારે હતી કે મીતકુમાર એક્ટિવા સાથે રોડની વચ્ચે આવેલું ડિવાઇડર કૂદીને સામેના રોડ પર જઈ પટકાયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર, તબીબોએ મૃત જાહેર કર્યો
આ ભયાનક અકસ્માતમાં મીતકુમારને માથાના પાછળના ભાગે તેમજ શરીરના અન્ય અંગો પર ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઉવારસદથી તેમના કુટુંબીજનો અને સાંતેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં મીતકુમારને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આશાસ્પદ પુત્રના મોતના સમાચારથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર મામલે મૃતકના પિતરાઈ ભાઈ જિનીશ મુકેશભાઈ પટેલે સાંતેજ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →