ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ અટકી:ઉવારસદમાં મંદિર પાસે લોખંડની પેટીઓમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, 72 હજારનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની ટીમે પૂર્વ બાતમીના આધારે ઉવારસદ ગામમાં દરોડો પાડીને રહેણાંક વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં લોખંડના પતરાની પેટીઓમાં છુપાવવામાં આવેલો 72 હજારની કિંમતનો દારુ બિયરનો જથ્થો ઝડપી લઇ સ્થાનિક બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂ અને બિયરના 14 બોક્સ મળી આવ્યા હતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દારૂ જુગારની પ્રવૃતિઓ પર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથે ધરવામાં આવી છે. જે અન્વયે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ઉવારસદ ગામના ખાંટવાસમાં રહેતો રાકેશજી જેસંગજી ઠાકોર નામનો બુટલેગર પોતાના ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે કલાટોળી વાસમાં આવેલા વહાણવટી સિકોતર માતાના મંદિર પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં પડેલી બે મોટી લોખંડની પેટીઓ શંકાસ્પદ જણાઈ હતી. આ પેટીઓ લોક કરેલી હતી. જેને તોડીને જોતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરના 14 બોક્સ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે ગણતરી કરતા કુલ 72 હજારની કિંમતનો 276 નંગ બિયર-દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે અડાલજ પોલીસે વોન્ટેડ બુટલેગર રાકેશજી જેસંગજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →