ટ્રેનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ઉવારસદ બ્રિજ નીચે રિક્ષામાંથી 25000ના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, રાજસ્થાનથી જથ્થો લાવ્યાની કબૂલાત

Gujarat5/14/2026, 8:04:04 AM
ટ્રેનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ઉવારસદ બ્રિજ નીચે રિક્ષામાંથી 25000ના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, રાજસ્થાનથી જથ્થો લાવ્યાની કબૂલાત
ગાંધીનગરની અડાલજ પોલીસે બાતમીના આધારે ઉવારસદ બ્રિજ પાસે વોચ ગોઠવીને રાજસ્થાનથી ટ્રેન મારફતે લવાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગર ઝડપી પાડી છે. મહિલા બુટલેગરે રિક્ષા ચાલકને અંધારામાં રાખી સામાનમાં ઘરવખરી હોવાનું કહી દારૂની હેરાફેરી કરી રહી હોવાનું પોલીસની વધુ તપાસમાં ખુલ્યું છે. મહિલા રિક્ષામાં કપડાની બેગમાં દારૂ લઈ જતી હતી અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી.દેસાઈની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અન્નપુર્ણા સર્કલ પાસે પહોંચતા ચોક્કસ બાતમી મળી હતી કે, CNG રિક્ષા (નંબર GJ-18BU-8680)માં મહિલા કપડાની બેગની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પુંદ્રાસણ ચોકડીથી અમદાવાદ જઈ રહી છે. ઉવારસદ બ્રિજ નીચે રિક્ષાને અટકાવતા દારૂનો જથ્થો મળ્યો આ બાતમીના આધારે પોલીસે ઉવારસદ બ્રિજ નીચે નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ રિક્ષા આવતા પોલીસે તેને લાઠીના ઈશારે ઉભી રખાવી હતી. બાદમાં રિક્ષામાં તપાસ કરતા પાછળની સીટ પર ગીતાબેન સોલંકી (રહે. કુબેરનગર, અમદાવાદ) નામની મહિલા મળી આવી હતી. જેની પાસે કપડાની બેગની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા.જે અંગે વધુ પૂછપરછ કરતાં મહિલાએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી મેળવ્યો હતો. ત્યારબાદ તે ટ્રેન મારફતે ઝુલાસણ રેલ્વે સ્ટેશન સુધી આવી હતી. ત્યાંથી તેણે રિક્ષા ચાલક સુરજ રાવળને ઘરવખરીનો સામાન છે. તેમ કહી રૂપિયા 300માં રિક્ષા ભાડે કરી અડાલજ તરફ રવાના થઈ હતી. આથી રિક્ષા ચાલક પણ અજાણતા જ દારૂનો જથ્થો રિક્ષામાં લઈને મહિલાને ઉતારવા માટે નીકળ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ .25,200ની કિંમતના 192 નંગ બિયર ટીન અને દારૂના ક્વાટર જપ્ત કર્યાં હતા. મહિલા બુટલેગર ગીતા સોલંકી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →