ઉમરેઠના નવા MLA હર્ષદ પરમારે લીધા શપથ:કહ્યું- ‘મંત્રી બનવાની કોઈ અપેક્ષા નથી, કાર્યકર તરીકે જ કામ કરવું છે’
ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં જીતેલા નવા ધારાસભ્ય હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉમરેઠ બેઠકના નવા પ્રતિનિધિ તરીકે હર્ષદ પરમારના શપથ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘મને પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ’
શપથ લીધા બાદ હર્ષદ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે, તેઓ માટે ધારાસભ્ય પદ કરતાં પણ પહેલા પક્ષનો સામાન્ય કાર્યકર હોવું મહત્વનું છે. તેમણે જણાવ્યું કે, “મંત્રી બનવાની મારી કોઈ અપેક્ષા નથી. ભારતીય જનતા પાર્ટી મને જે જવાબદારી સોંપશે, તે હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરીશ.” 2027ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ટિકિટ મળશે કે નહીં તે પ્રશ્નના જવાબમાં પરમારે કહ્યું કે, “હાલમાં મારું સંપૂર્ણ ધ્યાન પ્રજાની વચ્ચે રહી કામ કરવા પર છે. ભવિષ્યમાં પક્ષ જે નિર્ણય કરશે તે મારા માટે શિરોમાન્ય રહેશે.” 26મી તારીખે જ શા માટે શપથ લીધા?
શપથવિધિ માટે 26મી તારીખ પસંદ કરવાના પ્રશ્ન પર હર્ષદ પરમારે રસપ્રદ જવાબ આપતા જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ શપથવિધિ કાર્યક્રમ પણ 26મી તારીખે યોજાયો હતો. તેથી મને પણ લાગ્યું કે આ તારીખે શપથ લેવો મારા માટે યાદગાર ક્ષણ બની રહેશે.” ઉમરેઠ અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ગાંધીનગર પહોંચ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
Read Original Article →