મંજૂરી વગર નવી પોસ્ટ ઉભી કરી, માત્ર MDની સહીથી પ્રમોશન:અમદાવાદ અને મહેસાણાના UGVCLના અધિકારીઓ પર મહેરબાની, 2018થી ચાલી રહેલી ગેરરીતિમાં અનેક ચહેરા બેનકાબ
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં સરકારના નીતિ-નિયમોને નેવે મૂકીને ગંભીર મનમાની કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ હસ્તકની વીજ કંપની એટલે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં સરકાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તથા નાણાં વિભાગના અનેક પરિપત્રો, ઠરાવો અને લેખિત સૂચનાઓનો ભંગ કરીને નવી પોસ્ટ ઉભી કરાઈ છે. કેટલીક પોસ્ટને ડાઉનગ્રેડ કરાઈ છે તો અમુક પોસ્ટનું મર્જર કરી દેવાયું છે. જેનો સીધો લાભ કેટલાક અધિકારીઓને મળ્યો. સરકાર દ્વારા જારી કરાયેલા વખતો વખતના ઠરાવો અને સ્પષ્ટ સૂચનાઓનો અનાદર કરી, અધિકારીઓના માનીતા કર્મચારીઓ માટે સરકારની પૂર્વ મંજૂરી વગર પોસ્ટ મર્જ, અપગ્રેડ તેમજ ડાઉનગ્રેડ કરીને નવી જગ્યાઓ ઉભી કરાઈ છે. આ સંદર્ભમાં સરકારમાં અવારનવાર ફરિયાદો પણ થતી રહી છે. સરકાર કક્ષાએથી તપાસ અને યોગ્ય કાર્યવાહીના આદેશો અપાયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. દિવ્ય ભાસ્કરે આ બાબતે લેવામાં આવેલા નિર્ણયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર લોકો સાથે વાતચીત કરી અને સવાલોના ઘેરામાં આવેલા અધિકારીઓના પણ મત જાણવાનો પ્રયાસ કર્યો. ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલી વિગતો પરથી સમજો કે કેવી રીતે મલાઈદાર પદ લેવા માટે અધિકારીઓએ સરકારે જ બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું. બે અધિકારીઓ પર ગેરરીતિનો આરોપ લાગ્યો છે.
1- એલ.એન.મહિડા
2- એચ.એન.ભાવસાર UGVCL મહેસાણામાં સરકારની પૂર્વ મંજૂરી વગર નવી જગ્યાઓ ઉભી કરી
મહેસાણા ખાતેની UGVCL કોર્પોરેટ કચેરીમાં 2018માં અમુક જગ્યાઓ ખાલી પડી હતી, જેમાંથી કેટલીક પોસ્ટને ભેગી કરી અપગ્રેડ અને ડાઉનગ્રેડ દ્વારા નવી પોસ્ટ ઉભી કરાઈ હતી. અનેક જગ્યાઓને મર્જ કરી ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેર, જનરલ મેનેજર અને પર્સનલ ઓફિસર જેવી ઉચ્ચ હોદ્દાની નવી જગ્યાઓ ઉભી કરાઈ હતી. જેમાં સરકારની પૂર્વ મંજૂરી વગર માનીતા અધિકારીઓને પ્રમોશન આપી દેવાયા હતા. UGVCL ખાતે બે પોસ્ટ ભેગી કરીને નવી વધારાની પોસ્ટ ઉભી કરાવી
2018માં અમદાવાદની સાબરમતી કચેરી ખાતે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત એલ.એન.મહિડાએ પર્સનલ ઓફિસર તરીકે બઢતી મળે અને સાબરમતી ખાતે અંગત હિત જળવાય તે હેતુથી અરજી કરી હતી. તેમની આસિસ્ટન્ટ સેક્રેટરીની પોસ્ટ અને કલોલ સબ-ડિવિઝનથી ગાર્ડનરની પોસ્ટ લાવીને ભેગી કરી અપગ્રેડ કરાવી હતી અને સાબરમતી ઓફિસમાં જ પર્સનલ ઓફિસરની એક વધારાની પોસ્ટ ઉભી કરાવી હતી. અધિકારીઓએ પણ તુરંત માગણી સ્વીકારી નવી પોસ્ટ ઉભી કરી બઢતી આપી દીધી હતી. પરંતુ મહિડાને પ્રમોશન આપવા માટે મહેસાણા ખાતે એક જગ્યા ખાલી હોવા છતાં સાબરમતી સર્કલ ખાતે નવી વધારાની જગ્યા ઉભી કરાઈ હતી. મહિડાની મોડસ ઓપરેન્ડી મુજબ મહેસાણા ખાતે પણ નવી પોસ્ટ ઉભી કરાઈ
2018માં સિનિયોરિટીમાં છેલ્લા ક્રમે રહેલા એચ.એન.ભાવસાર જ્યારે મહેસાણા ખાતે આસિસ્ટન્ટ સેક્રેટરીની પોસ્ટ પર હતા, ત્યારે તેમણે પણ મહિડાની મોડસ ઓપરેન્ડી મુજબ પર્સનલ ઓફિસર તરીકે બઢતી મેળવવા માગણી કરી હતી. સાબરમતી ઓફિસ ખાતે ડેપ્યુટી જનરલ મેનેજરની મંજૂર થયેલી પોસ્ટને ડાઉનગ્રેડ કરાવીને પર્સનલ ઓફિસરની વધારાની પોસ્ટ ઉભી કરાવી બઢતી મેળવી હતી. અધિકારીઓએ પણ સરકારના નિયમ વિરુદ્ધ નવી પોસ્ટ ઉભી કરી બઢતી આપી હતી. આમ, મંજૂર સેટઅપ મુજબ પર્સનલ ઓફિસરની 2 જગ્યાની સામે કુલ 4 જગ્યાઓ ભરાઈ હતી. સરકારનો આદેશ છતાં UGVCL દ્વારા આ પોસ્ટ રદ કરાઈ નથી
પર્સનલ ઓફિસરની પોસ્ટ સાથે 2018માં વર્ગ-3ની ખાલી પોસ્ટોને નાબૂદ કરી એચ.આર વિભાગમાં જનરલ મેનેજરની નવી પોસ્ટ મંજૂર કરાઈ હતી. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગે આ અંગે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પાસે ખુલાસો માગ્યો હતો. GUVNL દ્વારા જણાવવામાં આવ્યું કે UGVCL અને PGVCL દ્વારા જનરલ મેનેજરની પોસ્ટ ઉભી કરવા અપનાવેલ રિડેપ્લોયમેન્ટની પદ્ધતિ ખોટી હોવાથી સરકારની મંજૂરી મેળવવા દરખાસ્ત મોકલવી. પરંતુ UGVCL દ્વારા આ પોસ્ટ રદ કરાઈ નથી. રિડેપ્લોયમેન્ટ દ્વારા જનરલ મેનેજરની પોસ્ટ ઊભી કરવાની પદ્ધતિ અયોગ્ય હોવાથી આ પોસ્ટ માટે આજની તારીખે પણ સરકાર દ્વારા કોઈ મંજૂરી અપાઈ નથી. ફક્ત મેનેજિંગ ડિરેક્ટરની સહીથી પોસ્ટ ઉભી કરી પ્રમોશન આપ્યું, બોર્ડને પણ અંધારામાં રાખ્યું
કોઈપણ પોસ્ટ ડાઉનગ્રેડ, અપગ્રેડ, રિડેઝિગ્નેશન કે રિડેપ્લોયમેન્ટથી ઉભી કરવા માટે નાણાં વિભાગના પત્ર મુજબ સરકારની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. પૂર્વ મંજૂરી ન લીધી હોય તો આવી પોસ્ટ મૂળ અસરથી રદ ગણાય. પરંતુ UGVCL દ્વારા આજ દિન સુધી પૂર્વ મંજૂરી લેવાઈ નથી. કંપનીના બોર્ડ તેમજ હેડ ઓફિસ, વડોદરાની પણ મંજૂરી લેવાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ફક્ત મેનેજિંગ ડિરેક્ટરની સહીથી પોસ્ટ ઉભી કરી પ્રમોશન આપી ભ્રષ્ટાચાર આચરેલ છે. GUVNLએ મંજૂરી વગરની તમામ પોસ્ટને મૂળ અસરથી રદ કરવાનો આદેશ આપ્યો
2021માં GUVNL દ્વારા 1 એપ્રિલ, 2021ના રોજ સૂચના અપાઈ હતી કે ખાલી પોસ્ટોને ભેગી કરી રિડેપ્લોયમેન્ટથી અપગ્રેડ કરી નવી પોસ્ટ ઉભી કરી છે, જે માટે સરકારની પૂર્વ મંજૂરી આવશ્યક છે. જો મંજૂરી ન હોય તો આ પોસ્ટ શરૂઆતથી જ રદબાતલ ગણાશે. તેમ છતાં UGVCL દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ ખોટી પોસ્ટ પર 7 વર્ષથી અધિકારીઓને બેસાડી રાખી સરકાર અને પ્રજાના નાણાંનું નુકસાન કરાયું છે. UGVCLના અધિકારીઓ સ્પષ્ટ ગાઈડલાઈન સામે શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. UGVCL બોર્ડ દ્વારા મહેકમમાં પર્સનલ ઓફિસરની પોસ્ટ મંજૂર થયેલી નથી
UGVCL બોર્ડ દ્વારા 2018માં કોર્પોરેટ ઓફિસનું જે મહેકમ મંજૂર કરાયું તેમાં પર્સનલ ઓફિસરની વધારાની પોસ્ટ મંજૂર થયેલ નથી. તેમ છતાં આવી નામંજૂર પોસ્ટ પર બેસાડેલા અધિકારી ભાવસાર અને મહિડાને વધુ એક બઢતી આપી ડેપ્યુટી જનરલ મેનેજરની પોસ્ટ પર બેસાડી દેવાયા છે. સરકાર અને UGVCLમાં અનેક રજૂઆતો છતાં ભ્રષ્ટાચારીઓને જ તપાસ સોંપાઈ
આ અંગે કર્મચારીઓ અને યુનિયનો દ્વારા સરકાર અને UGVCL મેનેજમેન્ટમાં અસંખ્ય રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, ફરિયાદોની તપાસમાં બિલાડીને દૂધની રખેવાળી સોંપવા જેવો ઘાટ થયો છે. જે અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો છે, તેમને જ ફરિયાદોના નિકાલની જવાબદારી સોંપાઈ છે, જેથી તપાસમાં ભીનું સંકેલાઈ જવાની શક્યતા છે. UGVCLના અધિકારી મંજુલા સોલંકી ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થયા હતા. તેમની નિવૃત્તિના માત્ર 15 દિવસ પહેલાં જ તેમને એક કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, જેમાં કોઈ કર્મચારીનો TDS ભરવામાં થયેલી ભૂલને કારણ દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ મહિલા અધિકારીએ RTI કરીને માહિતી માગી હતી કે, "મને કઈ તપાસના આધારે દોષિત ઠેરવવામાં આવી છે? મને શો-કોઝ નોટિસ આપવા પાછળ તમારી પાસે શું પુરાવા છે? તેમજ ભાવસાર પાસે કોઈ સત્તા ન હોવા છતાં તેઓ મારી સામે કેવી રીતે કાર્યવાહી કરી શકે?" જેના જવાબમાં તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, આ અંગેના દસ્તાવેજો પસ્તીમાં આપી દેવાયા છે. નિવૃત્ત મહિલા અધિકારીએ 4 અને 5 મે દરમિયાન UGVCLની કચેરી ખાતે ધરણાં કર્યા હતા. જોકે, પોલીસે તેમને ન્યાયની ખાતરી આપી સમજાવ્યા. એટલે તેમણે ધરણાં સમેટી લીધા હતા. UGVCL અને GUVNLના એમડીએ સાધ્યું મૌન
આ સમગ્ર ગેરરીતિ અંગે સરકારના ઉચ્ચ અધિકારીઓનો શું મત છે તે જાણવા માટે અમે ટોચના અધિકારીઓનો સંપર્ક કરવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ પણ વાત કરવા તૈયાર થયું નહોતું. UGVCLના MD કૌશિક ચૌધરી તેમજ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલનો સંપર્ક સાધવા માટે તેમને પ્રશ્નો લખીને પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી. એટલું જ નહીં, UGVCLની મહેસાણા સ્થિત ઓફિસના બંને લેન્ડલાઇન ફોન નંબર પણ હાલ 'આઉટ ઓફ ઓર્ડર' હોવાનું રેકોર્ડિંગ વાગી રહ્યું છે.
Read Original Article →