રાયોટિંગ, મારામારી, જાહેરનામા ભંગના ગુનામાં કોર્ટનું આકરું વલણ:ટીંટોડામાં જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરનાર એક જ પરિવારના છ સભ્યોને ત્રણ વર્ષની જેલ

Gujarat6/10/2026, 1:48:19 PM
રાયોટિંગ, મારામારી, જાહેરનામા ભંગના ગુનામાં કોર્ટનું આકરું વલણ:ટીંટોડામાં જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરનાર એક જ પરિવારના છ સભ્યોને ત્રણ વર્ષની જેલ
ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટીંટોડા ગામમાં વર્ષ 2019માં જૂની અદાવત રાખીને એક જ પરિવારના સભ્યો ઉપર જીવલેણ હુમલો કરવાના મામલે ગાંધીનગરની કોર્ટે આ કેસમાં સંડોવાયેલા એક જ પરિવારના 6 આરોપીઓને દોષિત ઠેરવીને 3 વર્ષની સાદી કેદની સજા તથા દરેકને ત્રણ હજાર દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. છ શખ્સો ફરિયાદીની દુકાન પર પહોંચ્યા હતા આ ઘટનાની વિગતો અનુસાર, ગત 14 ડિસેમ્બર 2019ના રોજ ટીંટોડા ગામના ભાલુજીના વાસમાં રહેતા આરોપીઓ પ્રકાશજી અશોકજી ઠાકોર, અશોકજી ગોબરજી ઠાકોર, શંકરજી ગોબરજી ઠાકોર, ભરતજી ગોબરજી ઠાકોર, કિરણજી ઉર્ફે હરેશજી અશોકજી ઠાકોર અને વિજયજી બાબુજી ઠાકોરે એકસંપ થઈને ફરિયાદીની દુકાન પર પહોંચ્યા હતા. ટોળાનો ફરિયાદી અને તેના પરિવાર પર હુમલો બાદમાં ટોળાએ હાથમાં લાકડીઓ લઈ ફરિયાદી, તેમના ભત્રીજા, માતા અને માસી ઉપર હુમલો કર્યો હતો. જેમાં લાકડીના હુમલાથી ફરિયાદીના માતા અને માસીને ગંભીર ઈજાઓ પહોંચતા ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્યને પણ માર મારવામાં આવ્યો હતો. આ હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. આરોપીઓ સામે મારામારી, રાયોટિંગ અને જાહેરનામાં ભંગનો ગુના આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, રાયોટિંગ અને જાહેરનામાં ભંગ હેઠળ નોંધાયેલા ગુનાનો કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ. બી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી ગયો હતો. આ કેસ દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ વૃદ્ધ મહિલા સહિતના અન્યોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. જે મૌખિક અને મેડિકલ પુરાવાઓથી પુરવાર થાય છે. સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીઓને વધુમાં વધુ સજા કરવાની રજૂઆત કરી હતી. કોર્ટે તમામ 6 આરોપીઓને 3 વર્ષની સાદી કેદ સજા ફટકારી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, સજા માત્ર ગુનો કર્યો છે તે માટે જ નહીં પરંતુ સમાજમાં દાખલો બેસે તે માટે પણ જરૂરી છે. આ અવલોકન સાથે કોર્ટે તમામ 6 આરોપીઓને 3 વર્ષની સાદી કેદ અને દરેક આરોપીને ૩ હજાર રૂપિયાનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
Read Original Article →