ગાંધીનગરમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ:શ્રીપડ આયન્સ રેસિડેન્સીના 13મા માળે આગ, પાડોશીના ફ્લેટ સુધી પહોંચી જ્વાળાઓ; ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી શ્રીપડ આયન્સ રેસિડેન્સીમાં આજે સાંજના સમયે લાગેલી ભીષણ આગને પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. હાઈરાઈઝ બિલ્ડિંગના 13મા માળે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા રહેવાસીઓના જીવ પડીકે બંધાયા હતા. દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેરી વળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો
પ્રાપ્ત વિગત મુજબ આજે સાંજે ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કે શ્રીપડ આયન્સ રેસિડેન્સીમાં આગ લાગી છે. આ કોલ મળતાની સાથે જ માત્ર બે મિનિટના ટનઆઉટ સમયમાં સેક્ટર 17 ફાયર સ્ટેશન અને સરગાસણ ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રસોડામાં રસોઈ બનાવતા સમયે શોર્ટ સર્કિટને કારણે આગ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રસોડામાં કોઈ ખાદ્ય સામગ્રી તળવા મૂકી હતી. જેનું ધ્યાન રાખવાનું મહિલા સહિતના પરિવારજનો ચૂકી ગયા હતા. બંધ બારી દરવાજાને કારણે ગરમી અને ધુમાડો અંદર જ કેદ થઈ ગયો હતો. જેની વચ્ચે થયેલા શોર્ટ સર્કિટને કારણે રસોડામાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુના રૂમમાં પણ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મળવ્યા બાદ ફરી ભભૂકી ઉઠી હતી
ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની પાંચથી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી અને વધુ પડતા ધુમાડાને કારણે ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક તબક્કે આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું જણાતું હતું, પરંતુ થોડી જ વારમાં આગ ફરી ભભૂકી ઉઠી હતી અને નજીકના ફ્લેટ સુધી પ્રસરી ગઈ હતી. જેને પગલે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. બિલ્ડિંગમાં રહેતા અન્ય ફ્લેટધારકોમાં ભારે ફફડાટ
સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ તો બિલ્ડિંગમાં રહેતા અન્ય ફ્લેટધારકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અગમચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી તમામ રહીશોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. હાલ ફાયરની ટીમો દ્વારા સતત કામગીરી ચાલુ રાખી આગને સંપૂર્ણપણે ઓલવવા અને ઠારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ આગના પગલે ઘટનાસ્થળે ટોળાં એકત્ર થઈ ગયા હતા અને રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
Read Original Article →