સરગાસણમાં રોકાણના નામે છેતરપિંડી:ફિક્સ્ડ ગેરેન્ટેડ રિટર્નની લાલચ આપી રહીશોના 2.15 કરોડ પડાવી એજન્ટ ફરાર, કંપનીના સંચાલકો સામે પણ ગુનો નોંધાયો
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી પ્રમુખ હોરીઝોન સોસાયટીના રહીશો સાથે રોકાણના નામે કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં જ રહેતા એક શખ્સે કંપનીના એજન્ટ તરીકે કામ કરી રહીશોનો વિશ્વાસ કેળવી ફિક્સ્ડ ગેરેન્ટેડ રિટર્નની લોભામણી જાહેરાત આપી 2.15 કરોડની ઠગાઈ આચરવામાં આવતા અડાલજ પોલીસે ગુણો નોધી વધુ તપાસ હાથ ધરી છે. કંપનીમાં રોકાણ કરશે તો દર મહિને 2 ટકા લેખે ગેરેન્ટેડ રિટર્ન મળશે
સરગાસણ વિસ્તારમાં આવેલી પ્રમુખ હોરીઝોન સોસાયટીમાં રહેતા જીગ્નેશકુમાર સુરેશભાઈ જાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અભયભાઈ ખીમાભાઈ સાંજવા છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીમાં જ રહેતો હતો. આરોપીએ પોતાની ઓળખ ડિસીપ્લીન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એજન્ટ તરીકે આપી હતી. તેણે સોસાયટીના સભ્યોને પ્રલોભન આપ્યું હતું કે જો તેઓ તેની કંપનીમાં રોકાણ કરશે તો દર મહિને 2 ટકા લેખે ગેરેન્ટેડ રિટર્ન મળશે. આ લાલચમાં આવીને ફરિયાદી તથા સોસાયટીના અન્ય રહીશોએ અલગ અલગ સમયે કુલ રૂ.2.15 જેવી માતબર રકમ કંપનીના ખાતામાં તેમજ રોકડા સ્વરૂપે આરોપીને ચૂકવી હતી. કંપનીના ડાયરેક્ટર વિરાટ પરમાર ગાયબ છે
જોકે શરૂઆતના સમયમાં આરોપી દર મહિનાની 1થી 10 તારીખ વચ્ચે નિયમિતપણે રિટર્ન ચૂકવતો હતો.પરંતુ 10 માર્ચ 2026 બાદ રિટર્નનો હપ્તો મળવાનું બંધ થઈ ગયું હતું. જ્યારે રહીશોએ આ અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીએ ટેકનિકલ કારણોસર વિલંબ થયો હોવાનું બહાનું કાઢ્યું હતું. બાદમાં 16 માર્ચના રોજ આરોપીએ તમામ રોકાણકારોને બોલાવીને જણાવ્યું હતું કે, કંપનીના ડાયરેક્ટર વિરાટ પરમાર ગાયબ છે અને ટૂંક સમયમાં રોકાણ પરત મળી જશે તેમ કહી વિશ્વાસ અપાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જોકે, રહીશોએ શંકા જતા આરોપીની ઓફિસો તપાસતા તે બંધ મળી આવી હતી. ઉપરાંત અમદાવાદ ખાતે આવેલી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પણ બંધ હતી. જ્યારે રહીશોએ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ કોઈ જવાબ આપ્યો નહોતો અને પરિવાર સાથે ઘર છોડીને ભાગી ગયો હતો અને રોકાણકારોને ફોન પર તમારાથી થાય તે કરી લેજો એવી ધમકી પણ આપી હતી.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →