સાંતેજની વેક્સિન ફેક્ટરીમાં ફરીથી ભીષણ આગ ભભૂકી:અમદાવાદ, કલોલ અને કડીથી ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના

Gujarat5/24/2026, 4:10:23 PM
સાંતેજની વેક્સિન ફેક્ટરીમાં ફરીથી ભીષણ આગ ભભૂકી:અમદાવાદ, કલોલ અને કડીથી ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના
ગાંધીનગર જિલ્લાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક વેક્સિન (રસી) બનાવતી ફેક્ટરીમાં ફરી એકવાર અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં આસપાસના મુખ્ય સેન્ટરો પરથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ત્રણ શહેરોમાંથી ફાયર ફાઇટરોની મદદ લેવાઈ આગ પર કાબૂ મેળવવા અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે અમદાવાદ, કલોલ અને કડી ફાયર સ્ટેશનો સંપર્ક કરી વધારાની મદદ માંગવામાં આવી છે. ત્રણેય નજીકના શહેરોમાંથી ફાયર ફાઇટર અને વોટર બ્રાઉઝરની ગાડીઓ સાંતેજ ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવી છે. અમદાવાદથી બે ખાસ વાહનો ઘટનાસ્થળે સ્થાનિક તંત્રની વિનંતીને પગલે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે મોટા ફાયર વાહનો ઘટનાસ્થળે રવાના કરી દેવાયા છે. અમદાવાદ અને અન્ય ફાયર ટીમોના જવાનો અત્યારે સંયુક્ત રીતે ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ફરીથી આગ લાગતા તંત્ર દોડતું થયું અહીં નોંધનીય બાબત એ છે કે, આ ફેક્ટરીમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે, જેને કારણે આસપાસની અન્ય ઔદ્યોગિક વસાહતોમાં પણ ચિંતાનો માહોલ છે. ફેક્ટરીમાં વેક્સિન ઉત્પાદન સંબંધિત કેમિકલ્સ અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે. હાલ પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેમજ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે પણ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખવા સાંતેજ પહોંચી રહ્યા છે.
Read Original Article →