બાંધકામ સાઈટ પરથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:100થી વધુ CCTV ખંગાળીને પોલીસે ત્રણને દબોચ્યા, સાંતેજમાં સુપરસીટી લક્ઝરીયા-3 સાઈટ પરથી કરી હતી ચોરી
ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાત્રિના અંધકારમાં નિર્માણધીન સાઇટ પર ત્રાટકી આ ગેંગ 1,530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી પલાયન થઈ હતી. જેમની પાસેથી કુલ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પરથી કેબલની કરી હતી ચોરી
સાંતેજ ગામની સીમમાં સુપરસીટી લકઝરીયા-3 નામની સાઇટ પર 31 માર્ચથી 1 એપ્રિલના સમયે કેબલ ચોરી થયાની ઘટના સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ અલગ અલગ સાઈઝના 1.81 લાખથી વધુની કિંમતના કેબલની ચોરી કરી છે.જે મામલે કંપનીએ સ્ટોક અને કેબલની લંબાઈની ખરાઈ કર્યા બાદ 5 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં 100થી વધુ CCTV ફૂટેજની તપાસ
ફરિયાદના આધારે સાંતેજ પોલીસ મથકના PI એસ. આર. મૂછાળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા 100થી વધુ CCTV કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે સાંતેજ ગામની સીમમાં ટીપી રોડ પર વોચ ગોઠવી ચોરીના કોપર વાયર સાથે જઈ રહેલી રિક્ષાને અટકાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી હત્યા, લૂંટના ગુનામાં પણ સંડોવણી
જે આરોપીઓની પૂછપરછ દરમિયાન સુપરસીટી લક્ઝરીયા-3ની સાઇટ પરથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે PI મૂછાળે કહ્યું કે, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, કરણ પટણી અને રણજીત ઉર્ફે સાવલો પટણીને રુપિયા 63 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ તમામ આરોપીઓ હાલ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી શૈલેષ ઉર્ફે શેરડી પટણી અગાઉ પણ હત્યા, લૂંટ અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેની વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →