જરૂરિયાત કરતાં વધુ ખરીદીથી સ્ટોક પર અસર:ભાવ વધવા છતાં વેચાણ બમણું : નગરમાં રોજ 1.40 લાખ લિટર પેટ્રોલનું વેચાણ
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે સ્ટ્રેત ઓફ હોર્મુઝ 2 મહિનાથી વધારે સમયથી બંધ છે, જેથી ઈંધણ પુરવઠો ખોરવાયો છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શરણાગતિ સ્વીકારવા અથવા વિનાશ માટે તૈયાર રહેવા જણાવ્યું છે જેનાથી લોકોમાં અનેક તર્ક-વિતર્ક પણ થઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સાર્વજનિક વાહનો વાપરવાની અને કાર પુલિંગ કરવાની અપીલ કરી છે, જેને લોકોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ આ દરમિયાન બજારમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડવાની વાતો વહેતી થઈ છે. ઈન્ટરનેટ પર પેટ્રોલ પંપ પર લાગેલી લામ્બી કતારોના દ્રશ્યો વાયરલ થતાં લોકોમાં ડર ફેલાયો છે. અફવાઓના ડરથી લોકો વાહનોની ટાંકીઓ સંપૂર્ણ ભરાવી રહ્યા છે. આ કારણે છેલ્લા 4 દિવસથી ગાંધીનગરમાં પેટ્રોલ અને ડીઝલનું રોજિંદું વેચાણ બમણું થઈ ગયું છે. સામાન્ય રીતે શહેરમાં રોજ 70 હજાર લીટર પેટ્રોલ અને 45 હજાર લીટર ડીઝલ વપરાય છે. તેની સામે છેલ્લા 4 દિવસથી રોજ 1.40 લાખ લીટર પેટ્રોલ અને 90 હજાર લીટર ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. આમ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા છતાં ગાંધીનગરમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બમણું થઈ ગયુ છે. ઈંધણના બિનજરૂરી વપરાશથી સપ્લાય એન્ડ ડિમાન્ડ ચેન ખોરવાઈ
જરૂરિયાત વિના ઈંધણનો વપરાશ થવાના કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય એન્ડ ડિમાંડ ચેન ખોરવાઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આ રીતે પેટ્રોલ અને ડીઝલની માગ વધતા નવા ટેંકર સાથે જૂના ટેંકરો પણ હવે કામે લાગ્યા છે પરંતુ ડિમાન્ડ વધારે હોવાને કારણે દરેક પેટ્રોલ પમ્પ પર ટેંકર 5 થી 6 કલાક મોડું પહોચી રહ્યું છે. સમયસર સપ્લાય ન મળતાં રાત્રે પેટ્રોલ પંપ બંધ
પેટ્રોલના ટેન્કરો મોડા પડવાના કારણે ગાંધીનગરના પેટ્રોલ પંપો પર નિર્ધારિત સમયે ઈંધણ પહોંચી રહ્યું નથી. આ ધીમી સપ્લાય પ્રક્રિયાને લીધે રાત્રિના સમયે કેટલાક પેટ્રોલ પંપો બંધ રાખવાની ફરજ પડી રહી છે. શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ વાસ્તવિક અછત નથી. આ સમસ્યા માત્ર સમયસર પુરવઠો ન મળવાને કારણે ઊભી થઈ છે.
Read Original Article →