એસીબીની સફળ ટ્રેપ:પ્રાંતિજ નગરપાલિકાનો આસી. એન્જિનિયર 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, બિલ પાસ કરવા લાંચ માગી હતી
ગાંધીનગર એસીબી દ્વારા આજે કર્મયોગી ભવન સામેના જાહેર રસ્તા પર ટ્રેપ ગોઠવીને પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાને વોટર એટીએમ મશીનના બિલ પાસ કરવાની અવેજીમાં 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ આ કેસના ફરિયાદીએ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ટેન્ડરના આધારે બે વોટર એટીએમ મશીન લગાવ્યા હતા. આ મશીનોના પેમેન્ટનું બિલ મંજૂર કરવાના બદલામાં આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ ચાવડા દ્વારા અગાઉથી નક્કી કરેલી ટકાવારી મુજબ ફરિયાદી પાસે 45,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી પરંતુ, ફરિયાદી અગાઉથી નક્કી કરેલી ટકાવારી મુજબની લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આજે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી અને લાંચની 45,000 રૂપિયાની રકમ સ્વીકારતા જ તેને એસીબીએ દબોચી લીધો હતો. કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
સાથેસાથ એસીબી દ્વારા લાંચની તમામ રકમ પણ રિકવર કરવામાં આવી છે. આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવતા એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપિંગની કાર્યવાહી ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક વી.બી. પટેલ અને એસીબી અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →