પેથાપુરના તળાવનો નવો અવતાર:જંગલી ઝાડીઓ દૂર કરાતા જળસંગ્રહ ક્ષમતામાં 150 ટકાનો વધારો થયો, 5 નેસ્ટીંગ આયલેન્ડથી પક્ષીઓ માટે બન્યું આશ્રયસ્થાન

Gujarat4/6/2026, 12:10:16 PM
પેથાપુરના તળાવનો નવો અવતાર:જંગલી ઝાડીઓ દૂર કરાતા જળસંગ્રહ ક્ષમતામાં 150 ટકાનો વધારો થયો, 5 નેસ્ટીંગ આયલેન્ડથી પક્ષીઓ માટે બન્યું આશ્રયસ્થાન
ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 2709ના 1.21 એકરના તળાવને નવજીવન મળ્યું છે. ખાસ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં પર્યાવરણીય સુધારણા સાથે જળસંચયની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. વર્ષોથી જંગલી વનસ્પતિ અને કચરાથી ભરાયેલા આ જળાશયને સાફ કરી તેની ક્ષમતામાં 150 ટકાનો વધારો કરવામાં આવતા તેની જળસંગ્રહ શક્તિ 8030 ઘનમીટર થઈ ચૂકી છે. સફાઈ અભિયાનમાં અડધા ટનનો કચરો તળાવમાંથી દૂર કરાયો પેથાપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 2709ના 1.21 એકરના તળાવના નવીનીકરણ અંતર્ગત તળાવમાંથી વર્ષો જૂની જંગલી ઝાડીઓ જેવી કે નેલ્ટુમા જુલિફ્લોરા અને અન્ય બિનજરૂરી વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. સફાઈ અભિયાન દરમિયાન અડધા ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. અગાઉ માટીના ધોવાણને કારણે આ તળાવની ક્ષમતા ઘટીને માત્ર 3200 ઘનમીટર રહી ગઈ હતી, પરંતુ 4800 ઘનમીટરથી વધુ ડિસીલ્ટીંગની કામગીરી બાદ હવે આ જળાશય 8030 ઘનમીટર પાણી સંગ્રહવા માટે સજ્જ બન્યું છે. ઉપરાંત તળાવના 230 મીટર લાંબા કાંઠાને ડબલ પાળા દ્વારા મજબૂત કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં માટીનું ધોવાણ અટકે. તળાવમાં માત્ર જળસંચય જ નહીં પરંતુ, જૈવવિવિધતાના જતન માટે પણ અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પક્ષીઓના આશ્રયસ્થાન માટે તળાવમાં 5 નેસ્ટીંગ આયલેન્ડ તૈયાર કરાયા છે જે સફેદ કાંકણસાર, બગલા, ટીટોડી અને કંસારા જેવા સ્થાનિક તેમજ પ્રવાસી પક્ષીઓ માટે આદર્શ ઇકો-સિસ્ટમ પૂરી પાડશે. જ્યારે સમગ્ર તળાવની સુરક્ષા માટે 285 મીટરની કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરી તેને સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પેથાપુરના ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની સાથે સ્થાનિક પર્યાવરણમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.
Read Original Article →