ગાંધીનગરમાં તસ્કરોનો આતંક:પાલજમાં બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળી 1.64 લાખની મત્તા ચોરીને પલાયન
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાલજ ગામમાં પંચાયતની બાજુમાં આવેલા એક બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,64,000ની મત્તા ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ મામલે મકાન માલિકે ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રે 12 વાગ્યે મકાનને તાળું મારી પરત ફર્યા હતા
ગાંધીનગરના સેક્ટર-30ની અક્ષરમહોલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સેક્ટર-11ના ક્રોમા શો-રૂમમાં નોકરી કરતા 24 વર્ષીય મીહીરસિંહ જગદીશસિંહ ઝાલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 17 મેના રોજ મીહીર તેના પરિવાર સાથે પાલજ ખાતે આવેલા પોતાના વતનના મકાને ગયો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ તે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારીને પરત ગાંધીનગરના ઘરે આવી ગયો હતો. માસીનો દીકરો પાજલ પહોંચતા ચોરી થઈ હોવાનું જણાવ્યું
બીજા દિવસે એટલે કે 18 મેના રોજ રાત્રે આશરે 8 વાગ્યે તેના માતા ભાવનાબા અને માસીનો દીકરો પુષ્પરાજ અનાજ લેવા માટે પાલજના મકાને પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો જોઈને બંને ચોંકી ઉઠ્યા હતા. તેમણે અંદર જઈને જોયું તો બેડરૂમમાં મુકેલી લોખંડની અને લાકડાની તિજોરીઓના ખાના તૂટેલી હાલતમાં અને તમામ સામાન અસ્તવ્યસ્ત વેરવિખેર પડેલો હતો. કુલ રૂ. 1.64 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
જે અંગે તપાસ કરતા ઘરમાં મુકેલી તિજોરીઓમાંથી આશરે રૂપિયા 13,000ની રોકડ રકમ, આશરે છ ગ્રામ વજનની બે સોનાની વીંટીઓ જેની કિંમત રૂપિયા 65,000, ચાર ગ્રામ વજનની કાનની બે સોનાની બુટ્ટીઓ જેની કિંમત રૂપિયા 43,000 તેમજ ચુડામાં લગાવવાની આશરે ચાર ગ્રામની સોનાની રખ જેની કિંમત રૂપિયા 43,000 મળીને કુલ રૂપિયા 1,64,000ની ચોરી કરી તસ્કરો લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. રાત્રે 1થી 4 વાગ્યા વચ્ચે ચોરોએ ઘટનાને અંજામ આપ્યો
આ ઘટના બાદ આજુબાજુની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં ગઈકાલે 18 મેના રોજ મધ્યરાત્રિ 1થી સવારના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →