ગિફ્ટ સિટી હવે વૈશ્વિક ફાઈનાન્સ હબ બનવાની દિશામાં આગળ:નિર્મલા સીતારમણની હર્ષ સંઘવી સાથે હાઈ લેવલની બેઠક, કહ્યું- ‘વિકસિત ભારત @2047’ના વિઝનને ગતિ મળશે

Gujarat5/22/2026, 4:58:16 PM
ગિફ્ટ સિટી હવે વૈશ્વિક ફાઈનાન્સ હબ બનવાની દિશામાં આગળ:નિર્મલા સીતારમણની હર્ષ સંઘવી સાથે હાઈ લેવલની બેઠક, કહ્યું- ‘વિકસિત ભારત @2047’ના વિઝનને ગતિ મળશે
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે શુક્રવારે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે. મિશ્રા તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા બેઠક દરમિયાન ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યાપારિક હબ બનાવવા માટે વિવિધ ક્ષેત્રોની કામગીરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા. બેંકિંગ, કેપિટલ માર્કેટ્સ, ફંડ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ-રીઇન્શ્યોરન્સ, એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ, ફિનટેક, બુલિયન એક્સચેન્જ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં PMO, નાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ગુજરાત સરકાર, ઇન્ટરનેશનલ ફિનાન્સીયલ સર્વિસીસ સેન્ટ્રેસ ઑથોરિટી તેમજ ગિફ્ટ સિટીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક અને IFSCAના ચેરમેન કે. રાજારમન પણ હાજર રહ્યા હતા. બેંકિંગ એસેટ્સ 110 બિલિયન અમેરિકન ડોલરને પાર હાલમાં ગિફ્ટ સિટીમાં 1,150થી વધુ સંસ્થાઓ કાર્યરત છે. બેંકિંગ એસેટ્સ 110 બિલિયન અમેરિકન ડોલરને પાર પહોંચી ગયા છે, જ્યારે ફંડ મેનેજમેન્ટ હેઠળની કેપિટલ કમિટમેન્ટ્સ 32 બિલિયન અમેરિકન ડોલરથી વધુ નોંધાઈ છે. ગિફ્ટ સિટીમાં 37 બેંકિંગ યુનિટ્સ, 217 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ, 36 ઇન્શ્યોરન્સ કંપનીઓ, 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લીઝિંગ સંસ્થાઓ કાર્યરત હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગિફ્ટ સિટી ભારતને વૈશ્વિક બજારો સાથે મજબૂત રીતે જોડશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “ભારત ગિફ્ટ સિટી દ્વારા સ્કેલ, ટેકનોલોજી, ટેલેન્ટ અને વિકાસની તકોનું અનોખું સંયોજન પ્રદાન કરે છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે ગિફ્ટ સિટી ભારતને વૈશ્વિક નાણાકીય બજારો સાથે વધુ મજબૂત રીતે જોડશે અને આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ‘વિકસિત ભારત @2047’ના વિઝનને ગતિ મળશે તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધીની પ્રગતિ પ્રોત્સાહક રહી છે અને તમામ હિતધારકો વચ્ચે સતત સંકલન દ્વારા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને વધુ ગતિ મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ પ્રોફેશનલ્સના વિકાસ પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ પણ ગિફ્ટ IFSC માટે પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ પ્રોફેશનલ્સના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સિયલ ડેસ્ટિનેશન બનાવવા માટે ઝડપી અને અસરકારક અમલીકરણની જરૂરિયાત દર્શાવી હતી.
Read Original Article →