પાટીદાર આંદોલનના આગેવાન નિખીલ દોંગાની સફળ સર્જરી:મોઢામાં પેઢાના કેન્સરના નિદાનને લઈ 4 દિવથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરતના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા યુવા આગેવાન નિખીલ દોંગાની તબિયતને લઈને ચિંતાજનક સમાચાર વચ્ચે હાલમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. નિખીલ દોંગાને મોંઢામાં પેઢાનું કેન્સર હોવાનું નિદાન થતાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. નિખીલ દોંગા 4 દિવસથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ
પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નિખીલ દોંગા છેલ્લા ચાર દિવસથી મુંબઈની કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સર્જરી સફળ રહી છે અને હાલમાં તેમની તબિયત સ્થિર છે. ડોક્ટરોએ આગામી બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારબાદ તેઓ સુરત પરત ફરશે. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, “સમગ્ર પાટીદાર સમાજ અને યુવાનો તેમની વહેલી તકે સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.” મોંઢાના પેઢામાં કેન્સરનું સફળ ઓપરેશન કરાયું
બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નિખીલ દોંગા હાલમાં મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ છે. તેમને મોંઢાના પેઢામાં કેન્સર હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે ગઈકાલે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું છે, જોકે હજુ સુધી તેમને સંપૂર્ણ ભાન આવ્યું નથી. હાલ તેમના નજીકના મિત્રો હોસ્પિટલમાં હાજર રહી તેમની સંભાળ લઈ રહ્યા છે. ડોક્ટરો દ્વારા સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોણ છે નિખીલ દોંગા?
નિખીલ દોંગા સુરતના યુવા પાટીદાર આગેવાન તરીકે ઓળખાય છે. તેઓ પાટીદાર અનામત આંદોલન દરમિયાન સક્રિય રહ્યા હતા અને યુવાનોમાં તેમની અલગ ઓળખ ઉભી થઈ હતી. સમાજના વિવિધ મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને યુવા સંગઠન અને પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને તેઓ સોશિયલ મીડિયા તેમજ જાહેર મંચો પર સક્રિય રહેતા આવ્યા છે. તેમની તબિયત અંગેના સમાચાર સામે આવતા જ સમાજના આગેવાનો અને યુવાનોમાં ચિંતા ફેલાઈ હતી.
Read Original Article →