કામગીરી:આદિવાડા-સે.29માં નવી પાઇપો નખાશે, 24 કલાક પાણીની યોજનામાં ખૂટતી કડીના કામો હાથ ધરાયાં

Gujarat5/20/2026, 12:00:00 AM
ગાંધીનગર શહેરના નાગરિકોને ચોવીસ કલાક પૂરતા પ્રેશરથી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની મહત્વાકાંક્ષી ‘24 X 7 વોટર સપ્લાય સ્કીમ’ મામલે હજુ પણ ખૂટતી કડીના કામો હાથ પર લેવામાં આવી રહ્યા છે જેના પગલે હજુ આ યોજના સત્તાવાર કાર્યરત થતાં હજુ બે મહિના કે તેથી વધુ સમય લાગી શકે તેમ છે. છેલ્લા 6 મહિના કરતાં પણ વધુ સમયથી શહેરના તમામ સેક્ટરોમાં અનઔપચારિકરીતે ટ્રાયલ રન ચલાવીને 24 કલાક પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાયલ રન સફળ રહ્યા બાદ હવે પ્રોજેક્ટમાં બાકી રહી ગયેલી ખૂટતી કડીઓ જોડવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કેટલાક વિસ્તારોમાં નવી પાઇપલાઇન નાખવાની અને જોડાણો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોમાં નવી પાઇપલાઇનો નાખવાની અને જોડાણો મજબૂત કરવાની કામગીરી કરાશે. ખાસ કરીને ગત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સેક્ટર-29 અને આદિવાડા વિસ્તારમાં જૂની પાઇપલાઇનમાં લિકેજના કારણે દૂષિત પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેના લીધે સ્થાનિક સ્તરે રોગચાળો ફાટી નીકળ્યો હતો. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા આ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આધુનિક ડક્ટાઇલ આયર્ન (DI) પાઇપલાઇન નેટવર્ક નાખવાનું આયોજન કરાયું છે. સમગ્ર કામગીરી ચોમાસાની સીઝન સહિત માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગત ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન સેક્ટર-29 અને આદિવાડામાં પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જવાને કારણે સેંકડો નાગરિકો ઝાડા-ઉલ્ટી અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બન્યા હતા. તંત્રની તપાસમાં જૂની પાઇપલાઇનોમાં વ્યાપક લિકેજ હોવાનું બહાર આવ્યું હતું. આ કડવા અનુભવમાંથી પાઠ ભણીને હવે આ સેક્ટરોમાં પાણીની સપ્લાય લાઇન સંપૂર્ણપણે બદલી નાખવામાં આવી રહી છે. લિકેજ પ્રૂફ ગણાતી 80 mm વ્યાસ ધરાવતી સ્પેશિયલ DI K-7 પાઇપલાઇનનું નવું નેટવર્ક ઊભું કરાશે. આ કામગીરી પૂર્ણ થતાં જ અંદાજે 6 મહિનાથી ચાલતા ટ્રાયલ રનને કાયમી ધોરણે સત્તાવાર અમલમાં મૂકી દેવાશે, જેથી દૂષિત પાણીની આશંકા કાયમ માટે ખતમ થઈ જશે. રસ્તા ખોદ્યા વિના અંડરગ્રાઉન્ડ બોરિંગ કરાશે 6 મહિનાના ટ્રાયલ દરમિયાન જે વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઓછું હતું અથવા પાઇપલાઇન કનેક્ટિવિટી ખૂટતી હતી, ત્યાં નવું નેટવર્ક નાખવા માટે તંત્ર આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું છે. તમામ સેક્ટરોમાં હવે નવા રસ્તા બનાવી દેવામાં આવ્યા છે ત્યાં ફરીથી રોડ ખોદવા ન પડે તે માટે અંડરગ્રાઉન્ડ બોરીંગ કરીને પાઇપલાઇન નાંખવામાં આવશે. જોડાણ માટે મુખ્ય રસ્તાઓ પર કામગીરી કરવાની થાય તેવા સંજોગોમાં ઓપન કટિંગ (ખોદકામ) કરવાને બદલે ખાસ ‘હોરિઝોન્ટલ બોરિંગ મશીન’ વડે જમીનની અંદર જ હોલ કરીને પાઇપલાઇન પસાર કરાશે. નવી લાઇનનું પણ હાઈડ્રોલિક પ્રેશર ટેસ્ટિંગ કરાશે સેક્ટર-29 અને આદિવાડા ઉપરાંત જ્યાં પણ જરૂર જણાશે ત્યાં વધારાની લાઇન નાખવામાં આવનાર છે ત્યારે તેનું પણ ટેસ્ટીંગ કરવામાં આવશે. પાઇપલાઇનના જોઈન્ટ્સ બરાબર છે કે નહીં તે ચકાસવા માટે વર્કિંગ પ્રેશર કરતાં 50% વધુ દબાણ આપીને હાઈડ્રોલિક ટેસ્ટ ફરજિયાત કરાશે.
Read Original Article →