બેદરકારી:પરીક્ષા બોર્ડના સંકુલમાં કચરો સળગાવતાં મનપાની નોટિસ
ગાંધીનગરના મુખ્ય અને ધમધમતા વિસ્તાર એવા સેક્ટર-21માં આવેલા રાજ્ય પરીક્ષા બોર્ડના કમ્પાઉન્ડ વિસ્તારમાં તાજેતરમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આગની ઘટનાને પગલે દોડધામ મચી જતાં તપાસ દરમિયાન કચેરી સંકુલમાં કચરો સળગાવવામાં આવ્યો હોવાથી આગનો બનાવ બન્યો હોવાનું ધ્યાને આવતાં મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા બોર્ડની કચેરીને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન કમ્પાઉન્ડ વિસ્તારમાં સુકું ઘાસ, કચરો તથા જ્વલનશીલ સામગ્રીનો જથ્થો જોવા મળ્યો હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોટિસમાં કમ્પાઉન્ડની નિયમિત સફાઈ, આગથી સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બંને તે માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં જાહેર સંસ્થાઓ અને સરકારી કચેરીઓએ આગ સલામતીના નિયમો પ્રત્યે વધુ જવાબદારી દાખવવી જરૂરી છે. જો સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કિસ્સામાં સદભાગ્યે આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું ન હતું પરંતુ કચેરી સંકુલમાં કચરો સળગાવતાં આગ પ્રસરી હતી. જેથી કચેરીના સત્તાધિશોને નોટિસ સાથે તાકિદ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા તેઓને કોઈપણ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના ભંગ બદલ દંડ વસૂલવામાં આવતો હોય છે પરંતુ સરકારી કચેરી હોવાથી મહાનગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો છે, દંડ ફટકારાયો નથી.
Read Original Article →