'ઘરમાં રહેવું હોય તો પતિ કહે તેમ જ કરવું પડશે':મુંબઈના સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા પિયર ભેગી થઈ, પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
મુંબઈમાં રહેતા પતિ અને સાસરિયાંઓ દ્વારા ગાંધીનગરના સેક્ટર-22માં પિયરમાં 36 વર્ષીય પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી દેવામાં આવતા મહિલા પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પતિએ ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધું
હાલમાં ગાંધીનગર પિયરમાં રહેતી પરિણીતાએ પતિ અજીત પરદેશી, સાસુ અને સસરા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના લગ્ન 25 જાન્યુઆરી 2014ના રોજ હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ શરૂઆતનું એક અઠવાડિયું સુખદ રહ્યું હતું પરંતુ, ત્યારબાદ પતિ અજીત દ્વારા નાની-નાની બાબતોમાં બીભત્સ ગાળો બોલી અપમાનિત કરવાનું શરૂ કરાયું હતું. બાદમાં ફેબ્રુઆરી, 2014માં પરિણીતા મુંબઈ ખાતે સાસરે રહેવા ગઈ ત્યારે પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી મોબાઈલ ફોન ચેક કરવા જેવી બાબતોથી માનસિક ત્રાસ આપવાનું વધારી દીધું હતું. પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરી
આ અંગે જ્યારે પોતાના પર થતા અત્યાચાર અંગે સાસુ-સસરાને જાણ કરી ત્યારે મદદ મળવાને બદલે તેમને વધુ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. એ વખતે સાસુએ કહ્યું હતું કે, આ ઘરમાં રહેવું હોય તો તારો પતિ કહે તેટલું કરવાનું અને તે જે કહે તે સહન કરવાનું. આ દરમિયાન પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતા સાથે મારઝૂડ પણ કરી હતી. બાદમાં દંપતી જ્યારે કેનેડા સ્થાયી થયું હતું ત્યારે પણ પતિની ક્રૂરતામાં કોઈ ઘટાડો થયો નહોતો. આ દરમિયાન તેણીને જાણ થઈ હતી કે, પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે અને તે તેને આર્થિક મદદ પણ કરે છે. હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ, તને જાનથી મારી નાખીશ
આ બાબતે માથાકૂટ થતા પતિએ ગર્ભિત ધમકી આપેલી કે, જો તું કોઈને કહીશ તો હું તારા નામની સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લઈશ. જેના લીધે પરિણીતાએ ચુપકીદી સાધી લીધી હતી. જોકે પતિ અને સાસરિયાંનો ત્રાસ અસહ્ય બનતા ખંજનબેન છેલ્લા 10 માસથી તેમના બે બાળકો સાથે ગાંધીનગર પિયરમાં રહે છે. ત્યારે જાન્યુઆરી 2026માં પતિએ ફોન પર ધમકી આપી હતી કે, હું બાળકોને જબરદસ્તીથી લઈ જઈશ અને જો તું બાળકો નહીં આપે તો તને જાનથી મારી નાખીશ. આખરે કંટાળીને પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.
Read Original Article →