વિધાનસભા બહાર મુકેશ રાઠવાના સમર્થનમાં આદિવાસી સંસ્કૃતિનો રંગ:ઢોલના તાલે ઝૂમ્યો સમાજ, ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા મુકેશ રાઠવાનું પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે આદિવાસી સમાજમાંથી મુકેશ રાઠવાની પસંદગી કરવામાં આવ્યા બાદ આજે તેઓ ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને વિધાનસભા બહાર પરંપરાગત આદિવાસી નૃત્ય કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આદિવાસી વેશભૂષામાં સજ્જ સમાજના લોકોનું નૃત્ય સૌનું ધ્યાન ખેંચ્યું
વિધાનસભા પરિસર બહાર ઢોલ અને પરંપરાગત વાદ્યોના તાલે યુવાનો, મહિલાઓ અને વડીલો ઉત્સાહભેર નાચતા જોવા મળ્યા હતા. આદિવાસી વેશભૂષામાં સજ્જ સમાજના લોકોનું નૃત્ય સૌનું ધ્યાન ખેંચી રહ્યું હતું. રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાના સમાજના પ્રતિનિધિને મોકલવાની તક મળતા સમાજમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આધુનિકતાના વધતા પ્રભાવ વચ્ચે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખનારા સમાજોમાં આદિવાસી સમાજનું નામ અગ્રસ્થાને આવે છે. આજે પણ તહેવારો, સામાજિક પ્રસંગો અને રાજકીય કાર્યક્રમોમાં આદિવાસી સમાજ પોતાની લોકસંસ્કૃતિને ગૌરવપૂર્વક રજૂ કરે છે. મુકેશ રાઠવાના ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે પણ તેની ઝલક જોવા મળી હતી. આદિવાસી સમાજના પરંપરાગત નૃત્યે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવ્યું
વિધાનસભા ખાતે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન એક તરફ રાજકીય ગતિવિધિઓ ચાલી રહી હતી તો બીજી તરફ બહાર આદિવાસી સમાજના પરંપરાગત નૃત્યે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. ભાજપ દ્વારા આદિવાસી સમાજને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ આપવાના નિર્ણયને સમાજના આગેવાનો અને કાર્યકરોએ આવકાર્યો હતો. રાજ્યસભાની ચૂંટણીના રાજકીય સમીકરણો વચ્ચે મુકેશ રાઠવાના ઉમેદવારી ફોર્મ ભરવાના દ્રશ્યો માત્ર રાજકીય નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિના ગૌરવના પ્રતીક તરીકે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
Read Original Article →