કમૌસમી વરસાદથી ખેડૂત-વેપારીને ફટકો:માણસા માર્કેટ યાર્ડમાં પાણી ફરી વળતા એરંડા તણાયા અને તબેલાના પતરા ઉડ્યા
ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો હતો. માણસા શહેર સહિત સમગ્ર તાલુકામાં પડેલા આ વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને માણસા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો એરંડાનો જથ્થો વરસાદી પાણીમાં તણાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખી
આજે બપોરના સમયે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે માર્કેટ યાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો એરંડાનો મોટો જથ્થો દુકાનોની બહાર ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા
આ કમોસમી વરસાદનું જોર એટલું વધારે હતું કે યાર્ડના માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.જેના કારણે બહાર પડેલા એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. પોતાનો કિંમતી માલ પાણીમાં વહી જતો જોઈ વેપારીઓ અને મજૂરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે મજૂરોએ એરંડાને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી તેમ છતાં મોટા પ્રમાણમાં માલ પલળી જવાથી અને તણાઈ જવાથી આર્થિક નુકસાન થયું છે. ખેતરમાં ઉભેલા પાકને લઈને ચિંતાતુર ખેડૂતો પણ આ કમોસમી વરસાદથી ફફડી ઉઠ્યા છે. તો માણસાના માણેક પુર ગામમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.જેના લીઘે એક તબેલાના પતરા પણ ઊડી ગયા હતા. ત્યારે ઉનાળાની શરૂઆતે જ ચોમાસા જેવો માહોલ સર્જાતા સમગ્ર પંથકના જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી.
Read Original Article →