ગાંધીનગરના ઠગ દંપતીનું કારસ્તાન:લગ્નપ્રસંગના બહાને કુટુંબી બહેન અને પાડોશીઓનો વિશ્વાસ કેળવી ₹45.92 લાખના દાગીના-રોકડનું ફુલેકું ફેરવ્યું
ગાંધીનગર જિલ્લાના માણસામાં કૌટુંબિક અને પાડોશી સંબંધોને લાંછન લગાડતી વિશ્વાસઘાત અને ઠગાઈની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. માણસાના એક કુટુંબી ભાઈ-ભાભીએ પોતાના જ સગાંસંબંધીઓ અને પાડોશીઓને વિશ્વાસમાં લઈ, લગ્ન પ્રસંગના બહાને સોનાના દાગીના અને રોકડ રકમ મેળવી કુલ ₹45.92 લાખનું મોટું ફુલેકું ફેરવ્યું છે. આ મામલે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે માણસા પોલીસે ઠગ દંપતી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વાઉચર લખી આપી સગાં વહાલાંઓનો ભરોસો જીત્યો
માણસાના મોટા દરજીવાસમાં રહેતા ઉષાબા ગીરીરાજસિંહ રાઠોડ દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેમના કુટુંબી ભાભી કૈલાશબા જીતેન્દ્રસિંહ રાઓલ અને તેના પતિ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ રાઓલે અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવ્યા છે. આ ઠગ દંપતી મૂળ માણસાના મારૂની શેરીના વતની છે અને હાલ ગાંધીનગરના સેક્ટર-27 સ્થિત સ્વસ્તીક સોસાયટીમાં રહે છે. બનાવની વિગત મુજબ, ગત 27 માર્ચ, 2021ના રોજ આ દંપતીએ લગ્ન પ્રસંગના બહાને ઉષાબા પાસેથી ₹20,000 ઉછીના લીધા હતા અને બે મહિનામાં પરત આપવાનું વચન આપી લખાણવાળું વાઉચર આપ્યું હતું. આ પછી ભરોસો કેળવીને દંપતીએ 28 એપ્રિલ, 2021ના રોજ ફરીથી લગ્નમાં પહેરામણી કરવાના બહાને સોનાના ઘરેણાં માંગ્યા હતા. ભાઈ-ભાભી પર વિશ્વાસ રાખીને ઉષાબાએ સોનાનો સેટ, મંગળસૂત્ર, સોનાનો પંજો અને કાનની સેર મળી કુલ ₹11,37,000 ની કિંમતના દાગીના આપી દીધા હતા, જેના બદલામાં પણ દંપતીએ સહીવાળું વાઉચર લખી આપ્યું હતું. દાગીના પાછા માંગતા ગલ્લા-તલ્લા કર્યા, તપાસ કરતા ભાંડો ફૂટ્યો
સમય મર્યાદા પૂર્ણ થતાં ઉષાબાએ પોતાના ઘરેણાં અને રોકડ રકમ પરત માંગવાનું શરૂ કર્યું ત્યારે ઠગ દંપતીએ વાયદાઓ કરીને ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. આથી ઉષાબાને શંકા જતાં તેમણે આસપાસ અને સગાંઓમાં તપાસ કરી તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ દંપતીએ પાડોશમાં અને સંબંધોમાં રહેતા અન્ય 5 પરિવારોને પણ આ જ રીતે વિશ્વાસમાં લઈ લાખોના દાગીના પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. દંપતીએ કયા પરિવારો પાસેથી કેટલા લાખ પડાવ્યા? આમ, ઠગ દંપતીએ પોતાના જ નજીકના લોકો પાસેથી કુલ ₹45,92,300 ની મત્તાના સોનાના દાગીના અને રોકડ મેળવી વાઉચરો લખી આપ્યા હતા, પરંતુ આજદિન સુધી કોઈને રકમ કે ઘરેણાં પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. માણસા પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ઠગ દંપતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →