સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે 165 ઉમેદવારી ફોર્મ ભરાયા:મનપા 16, ન.પા 9, જિ.પં 35 અને તા.પંમાં 105 ફોર્મ, જાફરાબાદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 13 ફોર્મ ભરાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને રાજ્યભરમાં વિવિધ સ્તરે નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ સ્તરે અત્યાર સુધી ભરાયેલા ફોર્મના વિગતવાર આંકડા સામે આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં સૌથી વધુ 9 ફોમ ભરાયા
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મળીને કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેમાં અમદાવાદમાં 3, મોરબીમાં સૌથી વધુ 9, નડિયાદમાં 2 અને સુરતમાં 2 ફોર્મ નોંધાયા છે, જ્યારે ભાવનગર, ગાંધીધામ, જામનગર, કરમસદ-આણંદ, મહેસાણા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા અને વાપી જેવી મહાનગરપાલિકાઓમાં હજી સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. નગરપાલિકા ચૂંટણીમાં 9 ઉમેદવારી ફોર્મ ભરાયા
રાજ્યના અનેક જિલ્લાઓની નગરપાલિકાઓમાં મળીને કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં 2, આણંદ જિલ્લાના બોરસદમાં 4, ગાંધીનગર જિલ્લાના કલોલમાં 1 તેમજ મહેસાણા જિલ્લાના ઉંઝા અને વિજાપુરમાં 1-1 ફોર્મ નોંધાયા છે. બાકીની તમામ નગરપાલિકાઓમાં હજી સુધી ઉમેદવારી નોંધાઈ નથી, જે દર્શાવે છે કે આ સ્તરે પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. જિલ્લા પંચાયત ચૂંટણીમાં 35 ઉમેદવારી ફોર્મ ભરાયા
રાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને જિલ્લા પંચાયત સ્તરે કુલ 35 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 7 ફોર્મ નોંધાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 અને ગાંધીનગરમાં 3 ફોર્મ ભરાયા છે. ભાવનગર, રાજકોટ, નવસારી અને જુનાગઢમાં 2-2 ફોર્મ નોંધાયા છે, જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, જામનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વાવ-થરાદમાં 1-1 ફોર્મ નોંધાયા છે. અન્ય જિલ્લાઓમાં હજી સુધી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ 13 ફોર્મ ભરાયા
તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ 13 ફોર્મ નોંધાયા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં 6 અને ઉપલેટામાં 4 ફોર્મ ભરાયા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 6 ફોર્મ નોંધાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4, અમરેલીના લિલિયા અને સાવરકુંડલામાં 4-4, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 3 તેમજ અમદાવાદના સાણંદ અને જામનગર તાલુકામાં 3-3 ફોર્મ નોંધાયા છે. અન્ય અનેક તાલુકાઓમાં 1-2 ફોર્મ નોંધાયા છે, જ્યારે ઘણા તાલુકાઓમાં હજી સુધી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. તાલુકા પંચાયત ચૂંટણીમાં સૌથી વધુ ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકા સ્તરે હજી ઉમેદવારી પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચૂંટણીની તારીખ નજીક આવતા ઉમેદવારી ફોર્મ ભરવાની ગતિમાં તેજી આવવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તમામ સ્તરે આ આંકડામાં મોટો વધારો નોંધાઈ શકે છે.
Read Original Article →