ડીઝલની અછતથી ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સંકટ!:હાઈવે પર ટ્રકોની કતાર, સ્થિતિ સામાન્ય ન થાય તો કચ્છમાં 1 જૂનથી હજારો ટ્રકોના પૈડા થંભી જવાની ભીતિ
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત હવે પરિવહન વ્યવસ્થા માટે ગંભીર પડકાર બની રહી છે. ગુજરાતના વિવિધ હાઈવે પર ટ્રકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે કચ્છ જિલ્લામાં સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી હોવાનું ટ્રાન્સપોર્ટ સંગઠનો દાવો કરી રહ્યા છે. ઇંધણ મેળવવા માટે ટ્રક ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે માલ પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે. ડીઝલની અછતના કારણે કચ્છ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મુશ્કેલી વધી
અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પુરવઠા મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવશે. “2 દિવસમાં ઉકેલ નહીં આવે તો આગળની રણનીતિ અમલમાં”
કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે જો ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો 1 જૂન, 2026થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સાથે જ IOC, BPCL, HPCL સહિત ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની માંગ પણ ઉઠી છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “કલેક્ટરને રજૂઆત બાદ અમને 2 દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. IOC, BPCL, HPCL, રિલાયન્સ અને નાયરા કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ લાવવાની વાત થઈ છે. હાલ અમને માત્ર 50 લિટર ડીઝલ આપવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછું 200 લિટર મળવું જોઈએ. અડધો દિવસ તો ડીઝલ માટેની લાઈનમાં જ નીકળી જાય છે અને લાઈનમાં ઊભા રહીએ ત્યારે પણ ડીઝલ બળી જાય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે હાલ 50 ટકા ગાડીઓ બંધ જેવી સ્થિતિમાં છે. “પહેલા એક દિવસમાં બે ટ્રિપ થતી હતી, હવે બે દિવસમાં એક ટ્રિપ પણ થઈ શકતી નથી. ડ્રાઈવરો પણ કંટાળી રહ્યા છે. જો સ્થિતિ નહીં સુધરે તો સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ થઈ જશે.” કચ્છના પોર્ટ પર લોડિંગ-અનલોડિંગ બંધ કરવાની ચેતવણી
ડીઝલની અછતને કારણે કચ્છના પોર્ટ વિસ્તારમાં પણ ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો કચ્છ જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક મારફતે થતું લોડિંગ અને અનલોડિંગ કાર્ય બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે માલવાહક વાહનોના સંચાલન પર ગંભીર અસર થઈ રહી છે. ઓનલાઈન ચલણ અને VLTD ચાર્જ મુદ્દે પણ રોષ
ટ્રાન્સપોર્ટરોમાં માત્ર ડીઝલની અછત જ નહીં પરંતુ ઓનલાઈન ચલણની વધતી સંખ્યા, VLTD સિસ્ટમનો વધતો ખર્ચ અને RTO મંજૂરી પ્રક્રિયામાં થતા વિલંબને લઈને પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓને લઈને આગામી આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બળવંતસિંહ ચૌધરીએ જણાવ્યું કે, “છેલ્લા બે દિવસથી ડીઝલની ભારે અછત છે. ક્યાંક ડીઝલ જ મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં 30થી 40 લિટર સુધી મર્યાદિત આપવામાં આવે છે. જેના કારણે ભારે વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ઉકેલ લાવવો જોઈએ.”
Read Original Article →