દર વર્ષની જેમ કોબામાં ભગવાન મહાવીર સ્વામીના ભાલે ‘સૂર્ય તિલક’:ગુરુસ્મૃતિ, ગુરુભક્તિ અને પ્રભુ આરાધનાનો ત્રિવેણી સંગમ, અલૌકિક ખગોળીય ઘટના સર્જાઈ

Gujarat5/22/2026, 11:13:20 AM
દર વર્ષની જેમ કોબામાં ભગવાન મહાવીર સ્વામીના ભાલે ‘સૂર્ય તિલક’:ગુરુસ્મૃતિ, ગુરુભક્તિ અને પ્રભુ આરાધનાનો ત્રિવેણી સંગમ, અલૌકિક ખગોળીય ઘટના સર્જાઈ
ગાંધીનગર નજીક વિશ્વપ્રસિદ્ધ કોબા જૈન તીર્થ ખાતે આજે એક એવો નજારો જોવા મળ્યો જે સ્થાપત્ય કલા, ગણિત અને ખગોળશાસ્ત્રના અજોડ સંગમની સાક્ષી પૂરે છે. દર વર્ષે માત્ર એક જ વાર નિર્ધારિત સમયે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાના લલાટ પર સૂર્યના કિરણો દ્વારા સૂર્ય તિલક કરવામાં આવે છે. જેનો અલૌકિક નજારો નિહાળવા ભક્તો અને જિજ્ઞાસુઓનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. બપોરે 2:07 વાગ્યે સૂર્યના કિરણોથી સૂર્ય તિલક આજે બપોરે બરાબર 2:07 મિનિટે જ્યારે સૂર્યના કિરણો મંદિરના સ્થાપત્યની અદભુત રચનામાંથી પસાર થઈને ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર પડ્યા ત્યારે આખું મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ ઘટના કોઈ ચમત્કાર નથી પરંતુ ભારતીય પ્રાચીન જ્ઞાન-વિજ્ઞાનનો એક જીવંત નમૂનો છે. વર્ષ 1987માં આ ઘટના પહેલીવાર ઘટી હતી અને ત્યારથી લઈને આજે 39 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં આ પરંપરા અવિરતપણે ચાલુ છે. આજના દિવસે ગુરુસ્મૃતિ, ગુરુભક્તિ અને પ્રભુ આરાધનાનો અનોખો ત્રિવેણી સંગમ રચાય છે, જે જૈન સમાજ માટે સર્વોચ્ચ આસ્થાનું પ્રતીક છે. વર્ષમાં એક દિવસ સૂર્યપ્રકાશ ગર્ભગૃહ સુધી પહોંચે ગાંધીનગરના કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે વર્ષમાં ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે જ સૂર્યપ્રકાશ ગર્ભગૃહ સુધી પહોંચી શકે છે. આ માટે મંદિરના નિર્માણમાં ખગોળશાસ્ત્ર અને ગણિતનો અત્યંત ચોકસાઈપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્કિટેક્ટ્સ અને ખગોળશાસ્ત્રીઓએ એવી રીતે ગણતરી કરી છે કે, સૂર્યની સ્થિતિ બદલાતા જ મંદિરના સ્થાપત્ય દ્વારા કિરણોનું નિશ્ચિત બિંદુ પર પરાવર્તન થાય છે. આ આરાધના કેન્દ્રની સ્થાપના પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરિ મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ આ કેન્દ્ર હસ્તપ્રતો અને જ્ઞાનના ભંડાર તરીકે પણ વિશ્વભરમાં જાણીતું છે. અહીં હજારો વર્ષ જૂની દુર્લભ હસ્તપ્રતોનું જતન કરવામાં આવે છે. આ તીર્થની પાવન ભૂમિ પર ભક્તોને અપાર શાંતિની અનુભૂતિ થાય છે. મોટી સંખ્યામાં ભાવિકો પહોંચ્યા હતા પ્રભુ મહાવીરના લલાટે થતું આ સૂર્ય તિલક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. જૈન પરંપરામાં સૂર્યને તેજનું પ્રતીક માનવામાં આવે છે. અને પ્રભુના લલાટ પર આ કિરણોનું પડવું તે દૈવી આશીર્વાદ સ્વરૂપ માનવામાં આવે છે. આ ઘટના માનવસર્જિત કલાકૃતિ અને પ્રકૃતિના સુમેળનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજના આ ઐતિહાસિક અને પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિકોએ કોબા તીર્થ ખાતે હાજર રહીને આ દુર્લભ ક્ષણને પોતાની આંખોમાં કંડારી હતી. આધુનિક યુગમાં પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેટલો વિકસિત હતો, તેનું પ્રત્યક્ષ પ્રમાણ આજે કોબા તીર્થે ફરી એકવાર પૂરું પાડ્યું છે.
Read Original Article →