નજીવી બાબતની તકરારમાં બે મિત્રો જ બન્યા કાળ:ખાત્રજમાં નાસ્તાના બિલના ઝઘડામાં શ્રમજીવી યુવાનની હત્યા, પ્લાસ્ટીક પાઇપ વડે ઢોર માર મારી ફરાર

Gujarat6/8/2026, 4:23:47 AM
નજીવી બાબતની તકરારમાં બે મિત્રો જ બન્યા કાળ:ખાત્રજમાં નાસ્તાના બિલના ઝઘડામાં શ્રમજીવી યુવાનની હત્યા, પ્લાસ્ટીક પાઇપ વડે ઢોર માર મારી ફરાર
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાત્રજ ચોકડી પાસે એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં સાથે કામ કરતા અને ફરવા ગયેલા બે મિત્રોએ માત્ર નાસ્તાના બિલના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં પિત્તો ગુમાવી દીધો હતો. બંને આરોપીઓએ પોતાના જ મિત્રને પ્લાસ્ટિકની પાઇપ વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે સાંતેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કમાવવા માટે વતન છોડીને ગુજરાત આવ્યો હતો યુવક મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી 27 વર્ષીય શિવકુમાર ગૌડ બે મહિના અગાઉ જ આજીવિકા મેળવવા માટે તેના ગામના રવિશંકર નામના યુવક સાથે કલોલ આવ્યો હતો. તેઓ ખાત્રજ વિસ્તારમાં રહીને ત્યાં આવેલી 'કાસ્ટિંગ એન્જિનિયરિંગ' નામની કંપનીમાં મજૂરી કામ કરતા હતા. મેલડી પાર્લર પર નાસ્તાના બિલથી શરૂ થયો વિવાદ ગત ૫ જૂનની સાંજે શિવકુમાર તેના મિત્રો ગોવિંદ પ્રેમલાલ ઠાકુર અને શિવરાજ વિનોદ ઠાકુર સાથે બહાર ફરવા ગયો હતો. આ દરમિયાન નજીકમાં આવેલા મેલડી પાર્લર ખાતે તેઓએ નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ બિલ ચૂકવવા બાબતે શિવકુમારને તેના બંને મિત્રો સાથે સામાન્ય રકઝક થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી ગોવિંદ અને શિવરાજે ઉશ્કેરાઈને શિવકુમારને પ્લાસ્ટિકની પાઇપ વડે બેરહેમીથી માર માર્યો હતો, જેમાં તેને નાક અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. રૂમ પર લાવીને ફરીથી માર માર્યો હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ઇજાગ્રસ્ત શિવકુમારને તેના રૂમ પર લાવ્યા હતા. પરંતુ ત્યાં આવ્યા બાદ ફરી એ જ મુદ્દે મામલો બિચક્યો હતો. આરોપી ગોવિંદ ઠાકુરે ફરી એકવાર સફેદ રંગની પાઇપ વડે શિવકુમારને નિર્દયતાપૂર્વક ફટકાર્યો હતો અને તેને કણસતી હાલતમાં છોડીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. મોત પહેલાં અન્ય મજૂરને આપવીતી જણાવી આંતરિક અને ગંભીર ઇજાઓને કારણે બીજા દિવસે સવારે શિવકુમારની તબિયત વધુ લથડી હતી અને તે રૂમની ગેલેરીમાં ઢળી પડ્યો હતો. આ જોઈને ત્યાં રહેતા અન્ય એક મજૂર આયુષ ગોલ્વેએ દોડી આવીને તેને પાણી પીવડાવ્યું હતું. એ સમયે શિવકુમારે આયુષને પોતાની સાથે રાત્રે ઘટેલી સમગ્ર આપવીતી વર્ણવી હતી. જોકે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. પિતાની ફરિયાદના આધારે પોલીસ એક્શનમાં આ ઘટનાની જાણ થતાં જ શિવકુમારના પિતા કુંજીલાલ ગૌડ તાત્કાલિક મધ્યપ્રદેશથી ગુજરાત દોડી આવ્યા હતા. પિતાની સત્તાવાર ફરિયાદના આધારે સાંતેજ પોલીસે આરોપી ગોવિંદ પ્રેમલાલ ઠાકુર અને શિવરાજ વિનોદ ઠાકુર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →