ગાંધીનગરમાં એસિડ એટેકના ગુનામાં પ્રથમવાર સજા:કલોલમાં મહિલા હોમગાર્ડ પર હુમલો કરનાર રિક્ષા ચાલકને 15 વર્ષની સખત કેદ સાથે એક લાખનો દંડ, પીડિતાને 2 લાખનું વળતર

Gujarat4/8/2026, 12:24:42 PM
ગાંધીનગરમાં એસિડ એટેકના ગુનામાં પ્રથમવાર સજા:કલોલમાં મહિલા હોમગાર્ડ પર હુમલો કરનાર રિક્ષા ચાલકને 15 વર્ષની સખત કેદ સાથે એક લાખનો દંડ, પીડિતાને 2 લાખનું વળતર
કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલની સેશન્સ કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના કેસમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ ઐતિહાસિક ચુકાદો છે. કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી આ ચકચારી કેસની વિગતો મુજબ, ગત તા.18 જુલાઈ 2025ના રોજ છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોઈન્ટ પર ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરુષ હોમગાર્ડ ફરજ પર હાજર હતા. આ દરમિયાન આરોપી રિક્ષા ચાલક અશોકભાઈ રમેશભાઈ રાવતે (રહે.રામજી મંદિર વાળો ઢાળ, કલોલ) પોતાની રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી. આથી ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ત્યાંથી જતો રહ્યો હતો. અડધો કલાક પછી એસિડની બોટલ લઈને આવી હુમલો કર્યો બાદમાં આ સામાન્ય ઠપકાની અદાવત રાખીને આરોપી અડધા કલાક બાદ એસિડની બોટલ સાથે પરત આવ્યો હતો. તેણે કઈ પણ સમજ્યા વગર ફરજ પરની મહિલા જવાન પર એસિડની પિચકારી મારી હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં ભાવનાબેનને પીઠ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મહિલા કર્મચારીઓ પર પણ એસિડના છાંટા પડ્યા હતા. આ હુમલાના પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે તુરંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. પટેલ દ્વારા આ કેસની સચોટ તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. એસિડ એટેક એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડા આપતો ગુનો આ ચકચારી કેસની સુનાવણી કલોલ કોર્ટમાં ચાલી રહી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જીગ્નેશ એચ. જોષીએ દલીલ કરી હતી કે, એસિડ એટેક એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડા આપતો ગુનો છે. કોર્ટે આ અવલોકનને માન્ય રાખતા નોંધ્યું હતું કે, આ હુમલો માત્ર એસિડ એટેક નથી પણ રાજ્યની સુરક્ષા ઉપર આક્રમણ છે. જો આવા આરોપીઓને કડક સજા ન કરવામાં આવે તો રાજ્ય સેવકોનું મનોબળ તૂટી શકે છે. દોષિતને 15 વર્ષની સખત કેદની સજા અને કુલ 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ આ દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે, મહિલા સુરક્ષાકર્મી પર કરવામાં આવેલો આ હુમલો અત્યંત નિર્દયી અને ગંભીર છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપી અશોક રાવતને દોષિત જાહેર કરી 15 વર્ષની સખત કેદની સજા અને કુલ 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. જ્યારે એસિડ હુમલાનો ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
Read Original Article →