મહેસાણાથી ગાંધીનગર સુધીના દારૂ નેટવર્કનો પર્દાફાશ:કલોલ તાલુકા પોલીસે ફિલ્મીઢબે દારૂ ભરેલી સફારી ગાડી સાથે પેથાપુરના બુટલેગરને દબોચ્યો, 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરી બાલવા ગાંધીનગર રોડ પર બાપુ કોલેજથી આગળ રાંધેજા ફાટક પાસે ટાટા સફારી ગાડીને આંતરી લઈ રૂ.11.19 લાખના મુદ્દામાલ સાથે પેથાપુરના બુટલેગરને ઝડપી લેવાયો છે. આ કાર્યવાહીમાં મહેસાણાના ખેરાલુથી ગાંધીનગરના પેથાપુર સુધી વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ટાટા સફારીમાં દારૂ લઈ જવાતો હોવાની પોલીસને બાતમી મળી હતી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કલોલ તાલુકા પોલીસની ટીમ નારદીપુર આઉટપોસ્ટ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન PI જે. જે. ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ટાટા સફારી ગાડીમાં માણસા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને બાલવા થઈ ગાંધીનગર તરફ જનાર છે. આ બાતમીના પગલે પોલીસે બાલવા ચોકડી પાસે નાકાબંધી કરી હતી. જેના થોડા સમય બાદ બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે પોલીસને જોઈને ગાડી ઉભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. જેના પગલે પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી બાલવા-ગાંધીનગર રોડ પર બાપુ કોલેજથી આગળ રાંધેજા ફાટક પાસે આખરે ગાડીને કોર્ડન કરી ઝડપી લીધી હતી. ખેરાલુના શખસે હોટલ પરથી દારૂ ભરી આપ્યો હતો
બાદમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 720 બોટલ અને બીયરના 72 ટીન મળી આવતા ગાડીના ચાલક સુરેશ શનાજી ઠાકોર (રહે. પેથાપુર, ગાંધીનગર)ની ધરપકડ કરી હતી. જેણે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો મહેસાણાના ખેરાલુનો રહેવાસી જય દરબાર નામના શખ્સે તેને ખેરાલુ-અંબાજી રોડ પર આવેલી આગમન હોટલ ખાતેથી ભરી આપ્યો હતો. જેના પગલે પોલીસે દારૂની બોટલો, બીયરના ટીન, એક મોબાઈલ અને ટાટા સફારી ગાડી મળીને કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ સાથે સુરેશ ઠાકોરની ધરપકડ કરી વોન્ટેડ બુટલેગર જય દરબારને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
Read Original Article →