કલોલની ફાર્મા કંપની સાથે 72.33 લાખની છેતરપિંડી:કમિશન એજન્ટે હરિયાણા, હિમાચલની કંપનીઓને માલ અપાવી નાણાં પડાવ્યા,સાત વિરુધ ગુનો નોંધાયો
કલોલ તાલુકાના છત્રાલ GIDC ફેઝ-2માં ભુગન લાઈફ સાયન્સ પ્રા.લી નામની કંપની સાથે અંદાજે 72.33 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં કંપનીના જ માર્કેટિંગ કર્મચારી અને કમિશન એજન્ટ રવિ ઓમપ્રકાશ કાલરા સહિત અન્ય છ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નાના ઓર્ડરો અપાવી વિશ્વાસ જીત્યા બાદ છેતરપિંડી આચરી
કંપનીના ઓપરેશન હેડ તરીકે ફરજ બજાવતા મનન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, હરિયાણાના અંબાલાનો રહેવાસી આરોપી રવિ કાલરાએ અગાઉ કંપનીના ડાયરેક્ટર સાથે સંપર્ક કરી માર્કેટિંગનું કામ કરવાની તૈયારી બતાવી હતી.જે અન્વયે શરૂઆતમાં નાના ઓર્ડરો અપાવી સમયસર પેમેન્ટ કરાવીને તેણે કંપનીનો વિશ્વાસ જીતી લીધો હતો. જેના પગલે ફેબ્રુઆરી 2024માં તેને માસિક 60 હજારના પગાર અને કમિશનની શરતે નોકરી પર રાખવામાં આવ્યો હતો. જોકે આ નિમણૂક બાદ રવિએ મળતિયાઓ સાથે મળીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું. અન્ય રાજ્યની કંપનીના મોટા ઓર્ડરો અપાવ્યા
બાદમાં રવિ કાલરાએ મે અને જૂન 2024 દરમિયાન હિમાચલ પ્રદેશ અને ચંદીગઢની વિવિધ કંપનીઓ જેવી કે મેડોક્ષ લાઈફ સાયન્સ,માસ્ટર હેલ્થ કેર,એરિયોન હેલ્થકેર અને નવકાર લાઈફ સાયન્સના મોટા ઓર્ડરો અપાવ્યા હતા.જેથી કંપનીએ વિશ્વાસ રાખી કુલ રૂ.72,33,636ની કિંમતનો ફાર્માસ્યુટીકલ રોમટીરીયલ્સનો માલ કુરિયર મારફતે મોકલી આપ્યો હતો. ઉઘરાણી છતાં નાણાં પરત ન મળ્યા
આ ઠગાઇના ભાગરૂપે પેમેન્ટની ખાતરી પેટે અપાયેલા ચેકો બેંકમાં ન નાખવા માટે આરોપીઓએ ટેકનિકલ ખામીના બહાના હેઠળ ગલ્લાતલ્લા કર્યા હતા.જોકે લાંબો સમય વીતવા છતાં અને વારંવારની ઉઘરાણી છતાં નાણાં પરત ન મળતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે રવિ કાલરા (રહે.અંબાલા), તરુણ જગ્ગી (રહે.કાંગરા), રજાક ખાન અને માજીદ ખાન (રહે.સોલન), અભય જૈન અને રવિ (રહે.ચંદીગઢ) તેમજ માજીદ મહોમ્મદ (રહે.બદ્દી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →