સાંતેજના પીઆઈ સામે ભાજપના ઈશારે કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવ્યાનો આક્ષેપ:જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર, નિષ્પક્ષ ચૂંટણી માટે ત્વરિત કાર્યવાહીની માંગ

Gujarat4/13/2026, 10:50:02 AM
સાંતેજના પીઆઈ સામે ભાજપના ઈશારે કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવ્યાનો આક્ષેપ:જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર, નિષ્પક્ષ ચૂંટણી માટે ત્વરિત કાર્યવાહીની માંગ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઈ સાજન મૂછાળ દ્વારા સત્તાધારી પક્ષના ઈશારે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રાંત કક્ષાએ કોઈ ઉકેલ ન આવતા આખરે કોંગ્રેસે કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. સાંતેજ પીઆઈની બદલી છતાં ચાર્જ ન છોડતા વિવાદ વકર્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, સાંતેજ પીઆઈ મૂછાળની બદલી થઈ હોવા છતાં છેલ્લા 15 દિવસથી તેઓએ પોતાનો ચાર્જ છોડ્યો નથી. કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે તેઓ સત્તાધારી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે અને બદલી થઈ હોવા છતાં તે જ સ્થાને ટકી રહીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે. ઉમેદવારોને ધમકાવવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસે આવેદનપત્રમાં ચોંકાવનારા દાવા કર્યા છે કે, ભોયણ મોટી બેઠકના ઉમેદવાર અને તેમના પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી ચૂંટણી લડવા બાબતે ગર્ભિત ધમકીઓ આપવામાં આવી છે. કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજી ઠાકોરને પણ તેમના મોબાઈલ પર ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા બાબતે ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ભાજપના ઉમેદવારોને ફાયદો કરાવવા માટે કોંગ્રેસના ટેકેદારોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. નિષ્પક્ષ ચૂંટણી માટે ત્વરિત કાર્યવાહીની માંગ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, જો પોલીસ જ રાજકીય હસ્તક્ષેપ કરશે તો નિષ્પક્ષ ચૂંટણી યોજવી અશક્ય બનશે. તેમની મુખ્ય માંગણી સાંતેજ પીઆઈને તાત્કાલિક અસરથી ચાર્જમુક્ત કરી તેમની બદલી વાળી જગ્યાએ મોકલવાની છે.
Read Original Article →