કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત:મફતલાલ કંપનીમાં અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરતા 3 પરપ્રાંતીયોએ જીવ ગુમાવ્યો, એકની હાલત ગંભીર

Gujarat5/15/2026, 11:12:10 AM
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત:મફતલાલ કંપનીમાં અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરતા 3 પરપ્રાંતીયોએ જીવ ગુમાવ્યો, એકની હાલત ગંભીર
ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ GIDC વિસ્તારમાં 14 મેની રાત્રિએ એક કાળજું કંપાવનારી દુર્ઘટના ઘટી છે. મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલ સાવરાવર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 14 એપ્રિલની રાત્રિના ટાંકીની સાફસફાઈ શરૂ કરાઈ કલોલના સઈજ GIDC વિસ્તારમાં આવેલી ‘મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ની યુનિટ સી/15થી 18માં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે એક આરસીસીની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે, ત્યારે આ ટાંકીની સાફસફાઈની કામગીરી 14 એપ્રિલની રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ હાથ ધરવામાં આવી હતી. ટાંકી સાફ કરવા શ્રમિકો એક પછી એક અંદર ઉતર્યા શ્રમિકો દ્વારા ટાંકીમાંથી મોટર પંપ વડે પાણી કાઢ્યા બાદ તળિયે દોઢ ફૂટ જેટલો જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકો પ્લાસ્ટિકના કેરબા અને લોખંડની સીડીના સહારે એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતર્યા હતા અને ઉતરતાની સાથે જ ગૂંગળામણને કારણે બેભાન થઈ કાદવમાં ફસાયા હતા. એકબીજાને બચાવવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો પોતાના મિત્રોને બચાવવા માટે અનિલ લોધી પણ અંદર ઉતર્યો, પરંતુ તે પણ ગૂંગળામણનો શિકાર બન્યો અને બેભાન થઈ ત્યાં ઢળી પડ્યો હતો. અંતે આ ત્રણેયને બચાવવાના પ્રયાસમાં શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ટાંકીમાં રહેલા ઝેરી વાયુ અને ઓક્સિજનની અછતને કારણે તે પણ ત્યાં જ ફસાઈ ગયો હતો. આમ, સાથીદારોને બચાવવાની મથામણમાં શ્રમિકો કાળનો કોળિયો બન્યા હતા. ત્રણ શ્રમિકોના મોત, એકની હાલત ગંભીર આ કરૂણાંતિકામાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાનો પરપ્રાંતીય હતા અને પેટીયું રળવા ગુજરાત આવ્યા હતા, જ્યારે એક શ્રમિક હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકોની સુરક્ષા મામલે કંપનીની બેદરકારી ઘટનાની જાણ થતા કલોલ તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલ (FSL)ની મદદથી ટાંકીમાં રહેલા ઝેરી ગેસની તપાસ કરવામાં આવશે. આ ઘટનાને પગલે કંપની દ્વારા શ્રમિકોને સેફ્ટી ગિયર્સ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર જેવી પાયાની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી કે કેમ, તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. પરપ્રાંતથી ગુજરાન ચલાવવા આવેલા ત્રણ યુવાનોના મોતથી શ્રમિક આલમમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. શ્રમિકોની સુરક્ષા મામલે કંપનીની બેદરકારી તપાસનો વિષય બની છે.
Read Original Article →