રિક્ષા ચાલકનું મ્યુઝિકનું ભૂત ઉતારી નાખ્યું:કલોલ સિવિલ હોસ્પિટલ પાસે મોટા અવાજે વૂફર વગાડતા ચાલકને પોલીસે સકંજામાં લીધો, રિક્ષા સહિત 50 હજારનો મુદ્દામાલ જપ્ત
કલોલ શહેરમાં સાર્વજનિક સ્થળો પર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કલોલ સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારની સામે જાહેર રોડ પર કાન ફાડી નાખે તેવા મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડીને જાહેર શાંતિનો ભંગ કરવા બદલ કલોલ શહેર પોલીસે એક રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી 50 હજારની રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષામાં કાન ફાડી નાખે તેવા અવાજે વૂફર સ્પીકર વાગતું હતું
કલોલ શહેર પોલીસની ટીમ ગત રાત્રિના સમયે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન કલોલ સિવિલ હોસ્પિટલ આગળથી પસાર થતી એક સીએનજી રિક્ષામાં ખૂબ જ મોટા અને કાન ફાડી નાખે તેવા અવાજે જેબીએલ વૂફર સ્પીકર વાગી રહ્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેના લીધે નજીકની હોસ્પિટલના વૃદ્ધ દર્દીઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. રિક્ષા સહિત 50 હજારનો મુદ્દામાલ જપ્ત
ઉપરાંત રસ્તે પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ અકસ્માત સર્જાય તેવી ભયજનક સ્થિતિ ઊભી થઈ હતી. આથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રિક્ષા ચાલકને દબોચી લઈ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જેની કડકાઈથી પુછપરછ દરમિયાન તેણે પોતાનુ નામ કિષ્ના પુનમભાઈ મકવાણા (રહે. મકાન નં. 35, મોહન પાર્ક સોસાયટી, રેલ્વે-પૂર્વ, કલોલ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી રિક્ષા સહિત 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →