બાઈક રીક્ષામાં ઘૂસી ગઈ, પાછળ આવતી ટ્રકે મહિલાને કચડી નાખી:કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત, અમદાવાદ-મહેસાણા હાઈવે ડેથ ટ્રેપ બન્યો; તંત્ર મૂકપ્રેક્ષક

Gujarat6/3/2026, 6:19:45 AM
બાઈક રીક્ષામાં ઘૂસી ગઈ, પાછળ આવતી ટ્રકે મહિલાને કચડી નાખી:કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત, અમદાવાદ-મહેસાણા હાઈવે ડેથ ટ્રેપ બન્યો; તંત્ર મૂકપ્રેક્ષક
અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર આવેલ કલોલનું અંબિકા બસ સ્ટેન્ડ વિસ્તાર હવે મોતનો રોડ બની રહ્યો છે. આજે 3 જૂન વહેલી સવારે બાઈક પર સવાર મહિલાનું ટ્રક નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, અહીં વહેલી સવારથી જ પેસેન્જર રીક્ષાઓ, ઈકો વાહનો અને ખાનગી વાહનોના લીધે ટ્રાફિક જામની સમસ્યા સાથે માર્ગ અકસ્માતે મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છતાં તંત્ર મૂકપ્રેક્ષક બની બેઠું છે. રીક્ષા ચાલકે બ્રેક મારતા પાછળ આવતી બાઈક ઘૂસી ગઈ કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે વહેલી સવારથી જ પેસેન્જર રીક્ષાઓ, ઈકો વાહનો અને ખાનગી વાહનોનો રોજેરોજ ખડકલો જોવા મળે છે. રોડની સાઈડમાં ગેરકાયદેસર રીતે ઉભા રહેતા આ વાહનોને કારણે મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. જેના લીધે રોજબરોજની માફક આજે અહીં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહિલા રોડ પર પટકાય ને પાછળ આવતું ટ્રકનું ટાયર ફરી વળ્યું પ્રાપ્ત વિગતો મુજબ, પેસેન્જર બેસાડવાની ઉતાવળમાં એક રીક્ષા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઈક ચાલકનું સંતુલન ખોરવાઈ ગયું હતું. આ દરમિયાન બાઈક પાછળ બેસેલી મહિલા રોડ પર પટકાયા હતા અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકનું તોતિંગ ટાયર તેમના પર ફરી વળતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.આ ઘટનાની જાણ થતા જ કલોલ પોલીસ તુરંત દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ-મહેસાણા હાઈવે ડેથ ટ્રેપ બન્યો, 9નાં મોત ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે, અહીં વારંવાર થતા ટ્રાફિકને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વિસ્તાર અગાઉ પણ ગંભીર અકસ્માતો સર્જાયા છે. જેમાં સરકારી બસ અને લક્ઝરી વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આડેધડ પાર્ક વાહનો અને દબાણો સામે તંત્ર મૂકપ્રેક્ષક આ સમગ્ર મામલે ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી દેખાઈ આવે છે. રોડની બંને બાજુએ પેસેન્જર રીક્ષાઓની ભરમાર અને લારી-ગલ્લાના દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ઠેર-ઠેર રોડ સેફ્ટીની ગંભીર ખામીઓ છે અને હાઈવેની હાલત પણ ખખડધજ છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, પરિણામે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
Read Original Article →