કડીની SV ઇન્સ્ટિટ્યૂટમાં ₹9 લાખના પેકેજ સાથે પ્લેસમેન્ટ:'Celebration of Success-2026' અને 'Oorja' ટેલેન્ટ શો યોજાયો

Gujarat4/12/2026, 9:24:29 AM
કડીની SV ઇન્સ્ટિટ્યૂટમાં ₹9 લાખના પેકેજ સાથે પ્લેસમેન્ટ:'Celebration of Success-2026' અને 'Oorja' ટેલેન્ટ શો યોજાયો
કડી: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કડી દ્વારા 'Celebration of Success-2026' અને 'Oorja-The Talent Show' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ મણીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ભાવિન પંડ્યાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે શૈક્ષણિક પરિણામો, સંશોધન પ્રવૃત્તિઓ અને પ્લેસમેન્ટની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ વર્ષે સંસ્થાએ ૭૧ કંપનીઓમાં વિદ્યાર્થીઓને ₹૯ લાખ સુધીના વાર્ષિક પેકેજ સાથે પ્લેસમેન્ટ અપાવ્યું હતું. MBAમાં ૯૫% અને MBA (Integrated)માં ૧૦૦% પરિણામ નોંધાયું હતું. આ ઉપરાંત, સંસ્થાએ યુનિવર્સિટી યુવા મહોત્સવમાં સતત બીજી વખત ચેમ્પિયન બની ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. Dev IT Ltdના સહસ્થાપક અને CEO જયમીન શાહે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ વિશે વાત કરી. Avocab Wires Cablesના વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ) હિમાંશુ બાલારે વેચાણ કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો. Iskoon Bridgeના ચેતન ચૌહાણે નેટવર્કિંગ અને ફિલ્મ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો અંગે માહિતી આપી. ગુજરાતી ફિલ્મ 'બહુરૂપીયો'ના કલાકારો મૌલિક ચૌહાણ અને કિંજલ રાજપ્રિયાએ પોતાના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. 'Oorja' ટેલેન્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ગીતકાર-ગાયક જાનકી ગઢવીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે ૧૦ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ પ્લેસમેન્ટ આપનાર 12 કંપનીઓને 'Best Recruiter Award' અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને 'International Excellence Award' એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રમુખ મણીભાઈ પટેલે સંસ્થાની સિદ્ધિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સંચાલક મંડળે સક્રિય યોગદાન આપ્યું હતું.
Read Original Article →