એક પેડ માં કે નામ 3.0 અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો:423 નર્સરીઓથી 11.80 કરોડ રોપાઓનું વિતરણ થશે, 74 હજાર હેક્ટર વિસ્તાર આવરી લેવાશે
આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ 3.0 વૃક્ષારોપણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના 'જ' રોડ સ્થિત લોકભવન ક્વાટર્સ પાસે પીપળાનું વૃક્ષ વાવીને મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય બનવા આહવાન કર્યું હતું. આ અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 'પાણી, પેટ્રોલ અને ઊર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો'
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પર્યાવરણને માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં પરંતુ રોજીંદી જીવનશૈલીનો હિસ્સો બનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને મિશન લાઈફનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આપણે સૌએ બેક ટુ બેઝિકના સિદ્ધાંતને અનુસરીને પાણી, પેટ્રોલ અને ઊર્જા જેવી કુદરતી સંપત્તિનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરાશે
વન વિભાગ દ્વારા આ વર્ષે રાજ્યભરમાં 551.91 લાખ રોપાઓનું વાવેતર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જે માટે 74,453.90 હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવશે. આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને સરળતાથી રોપા મળી રહે તે માટે રાજ્યની 423 નર્સરીઓ મારફતે 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાની પણ વન વિભાગની તૈયારી છે. 440 હેક્ટર વિસ્તારમાં વનકવચ તૈયાર કરાશે
સરકાર દ્વારા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વનકવચ નિર્માણના લક્ષ્યાંકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે અંદાજિત 300 સ્થળોએ 440 હેક્ટર વિસ્તારમાં વનકવચ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રીન વોલ ઓફ અરવલ્લી' પ્રોજેક્ટ હેઠળ 6,652 હેક્ટર અને મેન્ગ્રુવ્સના જતન માટે 20,100 હેક્ટર વિસ્તારમાં વાવેતરનું મહત્વાકાંક્ષી આયોજન વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, શહેર ભાજપા પ્રમુખ ડૉ. આશિષ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંઘ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →