આદિવાસી સમાજના 4000 DNA સેમ્પલ લેવાશે:સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયાના રોગની અગાઉથી જાણકારી મળશે; જિનોમ ડેટાબેઝ તૈયાર થશે

Gujarat5/22/2026, 12:30:00 AM
આદિવાસી સમાજના 4000 DNA સેમ્પલ લેવાશે:સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયાના રોગની અગાઉથી જાણકારી મળશે; જિનોમ ડેટાબેઝ તૈયાર થશે
ગુજરાતમાં આદિવાસી સમુદાયોના આરોગ્ય સુધારવા અને જીનેટિક રોગોને મૂળમાંથી સમજવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વાકાંક્ષી પહેલ હાથ ધરી છે. ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4 હજાર જેટલા બાયોલોજિકલ સેમ્પલ એકત્રિત કરવામાં આવશે અને તેમાંથી લગભગ 2000 વ્યક્તિઓના સંપૂર્ણ જિનોમનું સિક્વેન્સિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત આદિજાતિ સમુદાય માટે ખાસ જિનોમિક ડેટાબેઝ તૈયાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રોગોને શરૂઆતથી જ અટકાવવા જીનોમ સિક્વન્સિંગ જરૂરી વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ બંને સંસ્થાઓ દેશની ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, હાલ આદિવાસી સમુદાયોમાં ખાસ કરીને સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, એનિમિયા, G6PD ડિફિશિયન્સી તેમજ કેટલાક પ્રકારના કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગોને શરૂઆતથી જ અટકાવવા માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી બન્યું છે. જીનેટિક રોગોને નિયંત્રિત કરવા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 4000 સેમ્પલ લેવામાં આવશે, જેમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાન પ્રમાણમાં સમાવેશ થશે. કુલ 20 જેટલા આદિજાતિ સમુદાયોનો સમાવેશ થશે અને તેમાંથી 2000 જેટલા સેમ્પલનું સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. આ ડેટાના આધારે સમુદાયોને રોગો સામે કેવી રીતે લડવું અને લગ્ન પહેલા જીનેટિક માર્ગદર્શન આપવામાં મદદ મળશે. જીનેટિક ખામીઓ હોય તો બાળપણથી જ ઈલાજ શક્ય બને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. સ્નેહલ બગથરીયાએ જણાવ્યું કે, જીનોમ સિક્વેન્સિંગ અભ્યાસ કોઈપણ સજીવના જીનેટિક ગુણો વિશે વિસ્તૃત માહિતી આપે છે. કોઈપણ પોપ્યુલેશનમાં સકારાત્મક તથા નકારાત્મક બંને પ્રકારના જીનેટિક ગુણો હોઈ શકે છે. જો જીનેટિક ખામીઓ હોય અને તે ક્યુરેબલ હોય, તો બાળપણથી જ તેનો ઈલાજ શક્ય બને છે. પ્રિવેન્ટિવ અભિગમ અપનાવીને આવનારી પેઢીમાં તે રોગોનો પ્રસાર રોકી શકાય છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) શું કરે છે? બાયોટેક્નોલોજી આજે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા ક્ષેત્રોમાંનું એક છે. આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને મરીન ક્ષેત્રમાં સંશોધન માટે ગુજરાત સરકારે GBRCની સ્થાપના કરી છે. આ સંસ્થા રાજ્યની સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ માટે સતત સંશોધન કરી રહી છે. GBRC પહેલેથી જ COVID-19 દરમિયાન 14,000થી વધુ જીનોમ સિક્વેન્સિંગ કરી ચૂક્યું છે અને 170થી વધુ સંશોધન પેપર્સ પ્રકાશિત કરી ચૂક્યું છે. માનવ જીનોમ અને જૈવિક વિવિધતા માનવ જીનોમ લગભગ 3.2 બિલિયન DNA બેઝ પેરથી બનેલું છે અને બે વ્યક્તિઓ વચ્ચે લગભગ 0.1 ટકા જનેટિક ભિન્નતા જોવા મળે છે. આ નાની ભિન્નતા જ વ્યક્તિના લક્ષણો, રોગ પ્રત્યેની સંવેદનશીલતા, દવાઓની અસર અને વિકાસની પેટર્ન નક્કી કરે છે. આદિવાસી સમાજની જીનેટિક માહિતી મર્યાદિત હતી વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં આશરે 14.75 ટકા આદિજાતિ વસ્તી વસે છે. આ વસ્તીની જીનેટિક માહિતી અત્યાર સુધી મર્યાદિત હતી, જે આ પ્રોજેક્ટ દ્વારા ઉપલબ્ધ બનશે. વૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય મહત્વ આ પ્રોજેક્ટ માત્ર આરોગ્ય સુધી મર્યાદિત નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. જિનોમ ડેટા દ્વારા વંશીય વિવિધતા, સ્થળાંતર, ઉત્ક્રાંતિ અને ફાર્માકોજેનોમિક્સ અંગે નવી સમજ વિકસશે. આ ડેટા રાષ્ટ્રીય અને વૈશ્વિક જીનોમિક અભ્યાસો સાથે જોડાઈ શકે છે. આ મોડેલ અન્ય રાજ્યો પણ અપનાવી શકે ગુજરાત ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ જિનોમિક્સ અને જાહેર આરોગ્ય વચ્ચે સેતુ બની શકે છે. આ પહેલ દ્વારા નવી નિદાન પદ્ધતિઓ, પ્રિવેન્ટિવ હેલ્થકેર અને વ્યક્તિગત સારવારના ક્ષેત્રમાં મોટી પ્રગતિ થશે. આવનારા સમયમાં આ મોડેલ સમગ્ર દેશમાં અપનાવવામાં આવી શકે તેવી શક્યતા છે. દેશને જીનેટિક સંશોધનમાં નવી દિશા આપશે ગુજરાતનો આ પ્રોજેક્ટ આદિવાસી સમુદાયોના આરોગ્યમાં મૂળભૂત સુધારો લાવવા સાથે જ દેશને જીનેટિક સંશોધનમાં નવી દિશા આપશે. 2000 પૂર્ણ જિનોમ સિક્વેન્સિંગનું આ અભિયાન ભવિષ્યમાં જીનેટિક રોગોને નાબૂદ કરવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે. સિકલ સેલ રોગ શું છે? સિકલ સેલ રોગ કે જેને સિકલ સેલ એનીમિયા પણ કહેવાય છે. સિકલ સેલ એનીમિયા એ રક્તકણમાં રહેલા ખામીયુક્ત હીમોગ્લોબિન-એસ (hb-s)ના કારણે થતો વારસાગત રોગ છે. આ રોગથી પીડાતી વ્યક્તિના લોહીમાં જરૂરી માત્રામાં ઓક્સિજન ન હોવાથી તે ઝડપથી થાકી જાય છે. એમાં રક્તકણોનો આકાર ગોળમાંથી દાતરડા જેવો બની જાય છે. આ રોગને સંપૂર્ણપણે મટાડી શકાતો નથી, પણ આ સમસ્યાને અટકાવી જરૂર શકાય છે. માતા-પિતા બંનેને આ રોગ હોય ત્યારે બા‌ળકને વારસામાં આ રોગ મળે જ છે. માતા-પિતા બેમાંથી કોઈ એકને હોય તો બાળકની સ્વસ્થ હોવાની આશા વધી જાય છે. સામાન્ય હીમોગ્લોબિન ધરાવતાં માતા-પિતાનાં બાળકોને આ રોગ થતો નથી અને એટલે જ એ બાળકોને વારસામાં સામાન્ય હીમોગ્લોબિન જ મળે છે. ભારતમાં સૌથી વધારે સંખ્યા ભારતમાં સિકલ સેલ રોગથી પીડાતાં લોકોની સંખ્યા સૌથી વધારે છે. આ રોગ દક્ષિણ ભારત, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશની આસપાસનાં ક્ષેત્રોમાં સૌથી વધારે જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ જિલ્લાનાં લોકોમાં સિકલ સેલ એનીમિયા રોગ સૌથી વધારે જોવા મળે છે. સિકલ સેલ એનિમિયા જનીનો માતાપિતા પાસેથી બાળકોમાં ફેલાય છે. સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ છે જે માતાપિતા પાસેથી બાળકોમાં ફેલાય છે. સિકલ સેલ એનિમિયા માટે જનીન હોવાનો અર્થ એ નથી કે તે હંમેશા સક્રિય રહેશે અને રોગમાં પરિણમશે. જો કે, જો રોગ હાજર હોય, તો જનીન શરીરમાં હાજર રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ દરેક માતાપિતા પાસેથી એક જનીન વારસામાં મેળવે છે ત્યારે તેને સિકલ સેલ એનિમિયા થાય છે. જો બંને માતાપિતા પાસે સિકલ સેલ એનિમિયા જનીન હોય, તો દરેક ગર્ભાવસ્થા સાથે બાળકમાં આ રોગ થવાની શક્યતા 25 ટકા વધી જાય છે. સિકલ સેલ એનિમિયા માટે આ 5 સાવચેતીઓ રાખો
Read Original Article →