પરીક્ષા વચ્ચે જાગૃતિ કાર્યક્રમોનો ભાર:શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેમાં અસંતોષ, મહાસંઘની સરકારને રજૂઆત

Gujarat4/13/2026, 3:37:46 PM
પરીક્ષા વચ્ચે જાગૃતિ કાર્યક્રમોનો ભાર:શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેમાં અસંતોષ, મહાસંઘની સરકારને રજૂઆત
ગુજરાતમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોય ત્યારે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમો માટે શાળાઓમાં રેલીઓ, સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓ કરાવવા માટેના દબાણને કારણે શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું છે. શિક્ષકોની સ્થિતિ કફોડી બની જાય છે તેમણે સ્પષ્ટ કર્યું કે, પરીક્ષા સમયગાળા દરમિયાન વાલી અને વિદ્યાર્થીઓ બંને ઈચ્છે છે કે વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન પરીક્ષાઓ પર જ કેન્દ્રિત રહે, પરંતુ આવી વધારાની પ્રવૃત્તિઓના કારણે અસંતોષ ઉભો થાય છે. એક તરફ ઉપરથી કાર્યક્રમો માટે દબાણ અને બીજી તરફ વાલીઓ-વિદ્યાર્થીઓનો વિરોધ, આ બંને વચ્ચે શિક્ષકોની સ્થિતિ કફોડી બની જાય છે. મહાસંઘે અગાઉ પણ રજૂઆત કરી હતી કે વર્ષભરની આવી પ્રવૃત્તિઓને શૈક્ષણિક કેલેન્ડરમાં સમાવવાથી આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો યોજી શકાય અને વિદ્યાર્થીઓને પણ તણાવ વિના પરીક્ષા આપવાની તક મળે. બીજા દિવસે સમયસર શાળાએ હાજર રહેવું મુશ્કેલ બને છે આ સાથે જ મહાસંઘે ચૂંટણી કામગીરીને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, ચૂંટણી દરમિયાન શિક્ષકો અને કર્મચારીઓને મોડી રાત સુધી ફરજ બજાવવી પડે છે, જેના કારણે બીજા દિવસે સમયસર શાળાએ હાજર રહેવું મુશ્કેલ બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાસંઘના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર પટેલ દ્વારા સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. જેમાં મતદાન કે પુનઃમતદાનના બીજા દિવસે ફરજ પર રહેલા કર્મચારીઓને ફરજિયાત ઓન-ડ્યુટી ગણવા, રવિવાર કે જાહેર રજાના દિવસે ચૂંટણી સંબંધિત તાલીમ કે કામગીરી માટે વળતર રજા આપવાની વ્યવસ્થા કરવાની અને દર વખતે રજૂઆત કરવાની જરૂર ન રહે તે માટે કાયમી પરિપત્ર જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે. મહાસંઘે સરકારને વિનંતી કરી છે કે, પરીક્ષા સમયગાળામાં આવા કાર્યક્રમો યોજતા પહેલાં સંવેદનશીલતા દાખવી યોગ્ય આયોજન કરવામાં આવે.
Read Original Article →