ગુજરાતમાં 1.72 લાખ પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત:મહાસંઘે શિક્ષણ સચિવને પત્ર પાઠવ્યો, તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવવા માંગ કરી

Gujarat4/9/2026, 12:11:26 PM
ગુજરાતમાં 1.72 લાખ પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત:મહાસંઘે શિક્ષણ સચિવને પત્ર પાઠવ્યો, તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવવા માંગ કરી
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. રાજ્યના આશરે 1.72 લાખ પ્રાથમિક શિક્ષકોને સમયસર પગાર ન મળતા વ્યાપક અસંતોષ ફેલાયો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – ગુજરાત દ્વારા શિક્ષણ સચિવને પાઠવેલા પત્રમાં આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને તાત્કાલિક પગાર ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે. મહાસંઘે જણાવ્યું છે કે નવા નાણાકીય વર્ષ શરૂ થયા બાદ પણ તા. 8 એપ્રિલ 2026 સુધી રાજ્ય કક્ષાએથી અનેક જિલ્લાઓમાં પગાર માટેની ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. જેના કારણે જિલ્લાઓમાં શિક્ષકોને માર્ચ બાદનો પગાર મળ્યો નથી. પરિણામે 1.72 લાખ જેટલા શિક્ષકો સીધા આર્થિક સંકટમાં ધકેલાયા છે. શિક્ષકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પગાર ન મળવાના કારણે શિક્ષકોને ઘર ચલાવવા મુશ્કેલી પડી રહી છે. બાળકોના અભ્યાસ, લોનની EMI, દૈનિક જરૂરિયાતો સહિતના ખર્ચા પૂરા કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. કેટલીક જગ્યાએ શિક્ષકોને ઉધાર લઈ જીવન નિર્વાહ કરવો પડી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. મનોબળ અને કાર્યક્ષમતા પર સીધી અસર મહાસંઘે ચિંતા વ્યક્ત કરી છે કે શિક્ષકો શિક્ષણ વ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ છે, છતાં તેઓને સમયસર વેતન ન મળવાથી તેમના મનોબળ અને કાર્યક્ષમતા પર સીધી અસર પડી રહી છે. આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો શિક્ષણની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડી શકે છે. મહાસંઘે રાજ્ય સરકારને માંગ કરી છે કે તમામ જિલ્લાઓમાં બાકી રહેલી પગાર ગ્રાન્ટ તાત્કાલિક ફાળવવામાં આવે અને શિક્ષકોને તરત જ પગાર ચૂકવવામાં આવે. સાથે સાથે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જિલ્લાઓને એડવાન્સ ગ્રાન્ટ આપવાની સ્થાયી વ્યવસ્થા કરવામાં આવે.
Read Original Article →