વસ્તી ગણતરીથી માર્કશીટ સુધી શિક્ષકોની ડબલ રજૂઆત:‘મોબાઈલ-ટેબ્લેટ આપો, માર્કશીટ એક જ દિવસે આપો’, વસ્તી ગણતરી કામગીરી પહેલા શિક્ષક મહાસંઘનું સરકારને આવેદન
રાજ્યમાં આગામી વસ્તી ગણતરી કામગીરીને લઈને શિક્ષકોમાં જરૂરી સાધનો અને ટેકનિકલ સુવિધાઓ અંગે ચિંતા સામે આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા વસ્તી ગણતરી નિયામક સમક્ષ લેખિત રજૂઆત કરીને શિક્ષકોને ટેબલેટ અથવા મોબાઈલ ઉપલબ્ધ કરાવવા તેમજ વસ્તી ગણતરી એપમાં જરૂરી સુધારા કરવાની માગ કરવામાં આવી છે. મહાસંઘનું કહેવું છે કે ઘણા શિક્ષકો પાસે એપ સપોર્ટ કરે તેવા મોબાઈલ અથવા ટેબલેટ ઉપલબ્ધ નથી, જેના કારણે કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. મોબાઈલ-ટેબ્લેટ જેવા ડિજિટલ સાધનો આપવા માગ
રજૂઆતમાં જણાવાયું છે કે, નવા મોબાઈલ કે ટેબલેટ ખરીદવા શિક્ષકો પર અંદાજે ₹15 હજાર જેટલો વધારાનો આર્થિક બોજ આવી શકે છે. તેથી સરકાર દ્વારા જરૂરી મોબાઈલ-ટેબ્લેટ જેવા ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે અથવા એપ એવી બનાવવામાં આવે કે સામાન્ય ઉપકરણોમાં પણ સરળતાથી કાર્ય કરી શકે. મહાસંઘે વસ્તી ગણતરી કામગીરી શરૂ થાય તે પહેલાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાર મૂક્યો છે. 'SSC તથા HSC બંનેની માર્કશીટ એક જ દિવસે આપો’
બીજી તરફ, શિક્ષક સંગઠને SSC અને HSC બોર્ડની માર્કશીટ વિતરણ પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની માંગણી કરી છે. શિક્ષણમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં જિલ્લાકક્ષાએ એક જ દિવસે અને એક જ કેન્દ્ર પરથી SSC તથા HSC બંનેની માર્કશીટ વિતરણ કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં અલગ-અલગ દિવસો અને અલગ કેન્દ્રો પરથી માર્કશીટ આપવામાં આવતા શાળાના પ્રતિનિધિઓને વારંવાર જિલ્લાકક્ષાએ જવું પડે છે. 'ટ્રાફિક અને ભીડમાં પણ ઘટાડો થઈ શકે'
સંગઠનના મતે હાલની વ્યવસ્થાના કારણે પેટ્રોલ-ડીઝલનો વધારાનો ખર્ચ, સમયનો વ્યય અને માનવશક્તિ પર ભાર વધે છે. જો એક જ દિવસે બંને બોર્ડની માર્કશીટ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોને રાહત મળશે તેમજ ટ્રાફિક અને ભીડમાં પણ ઘટાડો થઈ શકે છે. બંને રજૂઆત પર સરકાર શું નિર્ણય કરશે તેના પર શિક્ષકોની નજર
શિક્ષક મહાસંઘે વડાપ્રધાનના સમય બચત અને સંસાધનોના અસરકારક ઉપયોગના સંદેશાનો ઉલ્લેખ કરી સરકારને વધુ વ્યવહારુ અને ખર્ચ બચાવતી વ્યવસ્થા અમલમાં મૂકવા અપીલ કરી છે. હવે સરકાર આ બંને રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર શિક્ષણ ક્ષેત્રની નજર રહેશે.
Read Original Article →