હવે 48 વર્ષની ઉંમરે બની શકશો જ્ઞાન સહાયક:રાજ્ય સરકારનો શિક્ષકોની અછત દૂર કરવા નિયમોમાં ફેરફાર, વયમર્યાદા 8 વર્ષ વધારી; ઉમેદવાર એક જ જિલ્લો પસંદ કરી શકશે

Gujarat6/3/2026, 6:35:00 PM
હવે 48 વર્ષની ઉંમરે બની શકશો જ્ઞાન સહાયક:રાજ્ય સરકારનો શિક્ષકોની અછત દૂર કરવા નિયમોમાં ફેરફાર, વયમર્યાદા 8 વર્ષ વધારી; ઉમેદવાર એક જ જિલ્લો પસંદ કરી શકશે
રાજ્યમાં પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા ગુજરાત શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારા ઠરાવ મુજબ જ્ઞાન સહાયક માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. ઉપરાંત ભરતી પ્રક્રિયા, મેરીટ તૈયાર કરવાની પદ્ધતિ અને ખાલી જગ્યાઓ ભરવાના નિયમોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વયમર્યાદામાં 8 વર્ષનો વધારો અત્યાર સુધી જ્ઞાન સહાયક માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ હતી. નવા સુધારા મુજબ હવે 48 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે, આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોને તક મળશે તેમજ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં મદદ મળશે. TET-1 અને TET-2ના આધારે મેરીટ તૈયાર થશે સુધારાયેલા નિયમો મુજબ ધોરણ 1 થી 5 માટે TET-1 અને ધોરણ 6 થી 8 માટે TET-2ના પરિણામમાં મેળવેલા ગુણોના આધારે જિલ્લાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. અગાઉની વ્યવસ્થાની સરખામણીએ હવે ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ગુણ આધારિત બનશે. ઉમેદવારને એક જ જિલ્લો પસંદ કરવો પડશે નવી જોગવાઈ મુજબ ઉમેદવાર અરજી કરતી વખતે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરી શકશે. પસંદ કરાયેલા જિલ્લામાં તૈયાર થતી મેરીટ યાદીના આધારે જ ઉમેદવારને તક મળશે. જિલ્લાવાર ખાલી જગ્યાઓની યાદી ઓનલાઈન જાહેર કરવામાં આવશે. ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન પ્રક્રિયા જિલ્લા શિક્ષણ સમિતિઓ દ્વારા ખાલી જગ્યાઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ મેરીટ મુજબ ઉમેદવારોને પસંદગીનો મોકો આપવામાં આવશે. પસંદગી બાદ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. કાયમી શિક્ષક આવે એટલે જ્ઞાન સહાયકનો કરાર સમાપ્ત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જ્ઞાન સહાયકની નિમણૂક સંપૂર્ણપણે કરાર આધારિત રહેશે. શાળામાં નિયમિત શિક્ષકની ભરતી, બદલી અથવા પુનઃસ્થાપના થવાથી જગ્યા ભરાઈ જાય તો જ્ઞાન સહાયકનો કરાર આપોઆપ સમાપ્ત થઈ જશે. તેવા સંજોગોમાં સંબંધિત ઉમેદવારનું નામ પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવશે. પ્રતીક્ષા યાદીની પણ જોગવાઈ ભરતી પ્રક્રિયા દરમિયાન પસંદગી ન પામેલા પરંતુ મેરીટમાં આવેલા ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ શાળામાં નવી ખાલી જગ્યા ઉભી થાય અથવા અગાઉ પસંદ થયેલો ઉમેદવાર હાજર ન થાય તો પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારને તક આપવામાં આવશે. શિક્ષકોની અછત ઘટાડવાનો પ્રયાસ શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય તે માટે જ્ઞાન સહાયક યોજના અમલમાં છે. નવા સુધારાઓથી ભરતી પ્રક્રિયા વધુ અસરકારક બનશે અને શિક્ષકોની અછત ઘટાડવામાં મદદ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી એક તરફ લાયક ઉમેદવારોને વધુ તક મળશે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષણ કાર્ય સતત ચાલુ રાખવામાં પણ સરળતા રહેશે.
Read Original Article →