RTE હેઠળ શિક્ષકોની મોટી ઘટ, સરકાર સીધી ભરતી કરવા તૈયાર:ધો. 1થી 5માં 273 અને ધો. 6થી 8માં 1050 શિક્ષકોની ઘટ, ભરતી અને ખાલી જગ્યાઓની વિગતો મોકલવા સૂચના
રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત સામે આવી છે. શિક્ષણના અધિકાર કાયદા (RTE) હેઠળ મળવાપાત્ર શિક્ષકોની સંખ્યા સામે હાલ કાર્યરત શિક્ષકોની સંખ્યા ઘણી ઓછી હોવાનું બહાર આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકાર હવે શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની સીધી ભરતી તરફ આગળ વધી રહી છે. ધોરણ 6થી 8માં 1050 શિક્ષકોની ઘટ
માહિતી મુજબ ધોરણ 6થી 8માં કુલ 2637 શિક્ષકો મળવાપાત્ર છે, પરંતુ હાલ માત્ર 1587 શિક્ષકો જ ઉપલબ્ધ હોવાથી 1050 શિક્ષકોની ઘટ નોંધાઈ છે. જ્યારે ધોરણ 1થી 5માં 1101 શિક્ષકો સામે માત્ર 828 શિક્ષકો કાર્યરત હોવાથી 273 શિક્ષકોની અછત સામે આવી છે. આમ કુલ મળીને 1323 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા તૈયારીઓ શરૂ કરી છે. રાજ્ય સરકાર સીધી ભરતી દ્વારા શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષકોની નિમણૂક કરી શકે છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને લેખિત આદેશ પાઠવવામાં આવ્યો
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને લેખિત આદેશ પાઠવવામાં આવ્યો છે. જેમાં ભરતી માટે જરૂરી રોસ્ટર તૈયાર રાખવા અને ખાલી જગ્યાઓની વિગતો મોકલવા સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લાઓને 31 મે સુધીમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અને મળવાપાત્ર જગ્યાઓની સંપૂર્ણ યાદી મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર ટૂંક સમયમાં ભરતી અંગે મહત્વનો નિર્ણય લે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Read Original Article →