ખાંડ મંડળીઓને 1500 કરોડની મોટી રાહત:રાજ્ય સરકારે શેરડીના વધારાના ભાવોને આપી મંજૂરી, બે લાખ ખેડૂતોને સીધો ફાયદો
ગુજરાત સરકારે સહકારી ક્ષેત્ર અને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2007-08થી 2014-15 દરમિયાન રાજ્યની ખાંડ સહકારી મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના વધારાના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખાંડ સહકારી મંડળીઓ પર આવનારો અંદાજિત રૂ.1500 કરોડનો આર્થિક બોજો દૂર થશે અને બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત મળશે. ગુજરાતના ખેડૂતોને દેશના અન્ય રાજ્યો કરતાં વધુ ભાવ મળતા રહ્યા
રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દેશની ખાંડ મંડળીઓ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા એફ.આર.પી. (ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈઝ) મુજબ ખેડૂતોને ભાવ ચૂકવે છે પરંતુ, ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓએ ખાંડ ઉપરાંત મોલાસીસ, ઇથેનોલ અને કો-જનરેશનથી થતી વધારાની આવકનો લાભ ખેડૂતો સુધી પહોંચાડ્યો હતો. જેના કારણે ગુજરાતના ખેડૂતોને દેશના અન્ય રાજ્યો કરતાં વધુ ભાવ મળતા રહ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગે સહકારી મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ પાઠવી
મંત્રીએ જણાવ્યું કે, ઇન્કમટેક્સ વિભાગે એફ.આર.પી.થી વધુ ચૂકવાયેલા ભાવોને નફો ગણી વિવિધ ખાંડ સહકારી મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. જેના કારણે વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન રાજ્યની ખાંડ મંડળીઓ પર રૂ.1500 કરોડ જેટલો મોટો આર્થિક બોજો ઊભો થયો હતો. નરેન્દ્ર મોદી દ્વારા અલગ સહકાર મંત્રાલયની રચના બાદ વર્ષ 2023માં ઇન્કમટેક્સ કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને ઇન્કમટેક્સ માટે માન્યતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. સરકારનો આ નિર્ણય સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે
આ સુધારાને આધારે ગુજરાત સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણ બાદ ખાંડ સહકારી મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા ભાવોને મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. હાલ રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધી ચુકવણી કરી રહી છે. સરકારનો આ નિર્ણય સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે તેમજ ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
Read Original Article →