ગુજરાતભરમાં RTOની ઓનલાઈન સેવાઓ ખોરવાઈ:વાહન નોંધણીથી ટેક્સ ભરપાઈ સુધી લોકો પરેશાન, પરિવહન પોર્ટલમાં સર્વર અપગ્રેડેશનને કારણે ટેકનિકલ ખામી
કેન્દ્ર સરકારના ‘પરિવહન’ પોર્ટલના સર્વર અપગ્રેડેશન દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ગુજરાત સહિત દેશભરના RTO વિભાગની ઓનલાઈન સેવાઓ છેલ્લા બે-ત્રણ દિવસથી ખોરવાઈ ગઈ છે. જેના કારણે વાહન નોંધણી, ટેક્સ ભરપાઈ, પરમિટ સહિતની અગત્યની સેવાઓ માટે નાગરિકો અને વાહન ડીલરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અપગ્રેડેશન સમયે અવરોધથી સિસ્ટમની કામગીરી પર અસર
મળતી માહિતી મુજબ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા ‘પરિવહન’ પોર્ટલના ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અપગ્રેડેશન દરમિયાન ટેકનિકલ અવરોધ ઉભા થતા સમગ્ર સિસ્ટમની કામગીરી પર અસર પડી છે. પરિણામે રાજ્યની વિવિધ RTO કચેરીઓમાં અરજદારોના કામો અટવાઈ ગયા છે.ખાસ કરીને નવા વાહનોની નોંધણી, ઓનલાઈન ટેક્સ ભરપાઈ, ટ્રાન્સફર પ્રક્રિયા અને અન્ય ડિજિટલ સેવાઓમાં વિલંબ થતાં વાહન ડીલરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ઘણા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, તો કેટલાક લોકોને એપોઇન્ટમેન્ટ હોવા છતાં કામ વગર પરત ફરવું પડ્યું છે. ટૂંક સમયમાં તમામ સેવાઓ પુનઃસ્થાપિત થશે
વાહન વ્યવહાર કમિશનરે જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે કે NIC અને ટેકનિકલ ટીમો દ્વારા સમસ્યાના ઝડપી નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે અને ટૂંક સમયમાં તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. સાથે જ રાજ્યની તમામ RTO કચેરીઓને પહેલેથી બુક કરાયેલી એપોઇન્ટમેન્ટ જરૂરિયાત મુજબ રી-શેડ્યૂલ કરવા અને અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવા સૂચના આપવામાં આવી છે.વિભાગે ટેકનિકલ કારણોસર સર્જાયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.
Read Original Article →