અનાજ નહીં તો વિતરણ નહીં:વ્યાજબી ભાવના દુકાનદારોનો સરકાર સામે બળવો, “પૈસા લો અને માલ આપો”, નહીં તો જૂનથી રાશન વિતરણ બંધ કરવાની ચીમકી
ગાંધીનગરમાં ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી એ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્યના અંદાજે 17 હજાર વ્યાજબી ભાવના દુકાનદારોની સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. સરકાર સાથે 20 માંગણીઓ મુદ્દે બેઠક યોજાઈ હતી
પ્રહલાદ મોદીએ જણાવ્યું કે 4 નવેમ્બર 2025ના રોજ સરકાર સાથે 20 માંગણીઓ મુદ્દે બેઠક યોજાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક ઉકેલ આવ્યો નથી. તેમના કહેવા મુજબ સરકાર દર મહિને 15થી 25 તારીખ દરમિયાન આગામી જથ્થા માટે દુકાનદારો પાસેથી અગાઉથી રૂપિયા લઈ લે છે, પરંતુ સમયસર અનાજ અને અન્ય જથ્થો પહોંચાડવામાં ભારે વિલંબ થાય છે. 1 તારીખથી થનાર રાશન વિતરણ પ્રક્રિયા પર સીધી અસર પડશે
તેમણે આક્ષેપ કર્યો કે હાલની સ્થિતિ એવી છે કે, હજુ સુધી દુકાનોમાં માલ પહોંચ્યો નથી, જેના કારણે 1 તારીખથી થનાર રાશન વિતરણ પ્રક્રિયા પર સીધી અસર પડશે. એસોસિએશને માંગ કરી છે કે સરકાર લેખિતમાં ખાતરી આપે કે 15થી 25 તારીખ દરમિયાન ભરેલા પૈસાનો જથ્થો સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર હજુ નહી જાગે તો જવાબદારી સરકારની રહેશે
પ્રહલાદ મોદીએ ચેતવણી આપતા જણાવ્યું કે, જો સ્થિતિ યથાવત રહેશે તો દુકાનદારો જૂન મહિનાનું પરમિટ અને રૂપિયા નહીં ભરે, જેના કારણે જૂન મહિનામાં રેશન વિતરણ સંપૂર્ણપણે અટકી શકે છે. વધુમાં કહ્યું કે, “અમારી ચોખ્ખી વાત છે - પૈસા લો અને માલ આપો. સરકાર હજુ પણ નહીં જાગે તો વધુ કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.”
Read Original Article →