ટિકિટ મળી ત્યારે રાજ્યસભાના ચારેય ઉમેદવારો શું કરતા હતા?:ફોન ચાલુ થયા ત્યારે માંડ વિશ્વાસ બેઠો, રાજુ શુક્લ 92 કરોડના માલિક; 2 કિલો સોનું
ભાજપ દ્વારા રાજ્યસભા માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરાતા પાર્ટીના કાર્યકર્તા, નેતાઓ અને ગુજરાતવાસીઓ માટે તમામ નામ સરપ્રાઈઝ હતા. આ જાહેરાતો પાછળ સૌથી મોટી સરપ્રાઈઝ એ પણ છે કે,ચારેય ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ ત્યાં સુધી તેઓને પણ ખબર નહોતી કે તેઓ રાજ્યસભા માટે ઉમેદવાર બની ગયા છે. ભાસ્કરે ચારેય ઉમેદવારો સાથે વાતચીત કરી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, તેઓને ટિકિટ મળ્યાની જાણ કેવી રીતે થઈ?, જ્યારે તેઓના નામની જાહેરાત થઈ ત્યારે તેઓ ક્યાં હતા? ચારેય ઉમેદવારો દ્વારા ઉમેદવારી રજૂ કરતી સમયે મિલકતની વિગતો પણ જાહેર કરી છે. જેમાં રાજુ શુકલ 2 કિલો સોના સહિત 92 કરોડની મિલકતના માલિક હોવાનું જાહેર કરાયું છે. રાજુ શુક્લ એક મેડ ઈન ઈન્ડિયા રિવોલ્વર અને એક મેડ ઈન USA રાયફલ ધરાવે છે. જ્યારે મુકેશ રાઠવાની મિલકતની વાત કરીએ તો, તેની પાસે ફ્કત 38.08 લાખ રૂપિયાની જંગમ મિલકત જ છે. માનસિંહ પરમારની કૂલ સંપત્તિ 5.19 કરોડ રૂપિયાની છે જ્યારે જીતેન્દ્ર કણઝારીયાની 3.89 કરોડની સંપત્તિ છે. હું પરિવાર સાથે બેઠો હતો ત્યારે કે.સી.પટેલનો અભિનંદન માટે ફોન આવ્યો- રાજુ શુકલ
રાજ્યસભાના અન્ય ઉમેદવાર રાજુભાઈ શુક્લે જણાવ્યું કે, તેમણે જીવનમાં ક્યારેય કોઈ પદ કે જવાબદારી માટે પ્રયત્નો કર્યા નથી. નગરપાલિકા પ્રમુખ, જીપીએસસીના સભ્ય કે જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારીઓ હોય કે હવે રાજ્યસભાની ઉમેદવારી, દરેક જવાબદારી તેમને સંગઠન દ્વારા સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે તેમની કોઈ વાત થઈ નથી. મોદી જ્યારે સાબરકાંઠા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આવ્યા હતા ત્યારે માત્ર નમસ્તે કરવાની તક મળી હતી. રાજુભાઈ શુક્લે જણાવ્યું કે તેઓ ઘરે પરિવાર સાથે હતા ત્યારે સાંજે લગભગ 6.03 વાગ્યે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હાલ અભ્યાસ વર્ગોના સંયોજક કે.સી. પટેલનો ફોન આવ્યો હતો. તેમણે અભિનંદન પાઠવતાં રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી થયાની માહિતી આપી હતી. ત્યારબાદ જ તેમને ખબર પડી કે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. તેમણે આ ક્ષણને પોતાના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. મિત્રોના ફોન આવવા લાગ્યા ત્યારે ખબર પડી કે મને ટિકિટ મળી છે- મુકેશ રાઠવા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના રહેવાસી અને આદિવાસી સમાજમાંથી આવતા મુકેશ રાઠવાએ જણાવ્યું કે, તેમની રાજ્યસભાની ઉમેદવારી અંગે મીડિયામાં સમાચાર આવ્યા પછી કાર્યકર્તા મિત્રોના ફોન આવવા લાગ્યા ત્યારે જ તેમને જાણ થઈ હતી. તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત યાદ કરતાં જણાવ્યું કે, 2012માં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એમ.એડ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વતન કવાંટ પરત ફર્યા હતા. તે સમયે વિધાનસભા ચૂંટણી શરૂ થઈ રહી હતી અને પાવી જેતપુર બેઠક પરથી ભાજપે જયંતિભાઈ રાઠવાને ઉમેદવાર બનાવ્યા હતા. PM મોદીના ભાષણથી પ્રભાવિત થઈ રાજકારણમાં આવ્યો- મુકેશ રાઠવા
મુકેશ રાઠવાએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2005માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ નરેન્દ્ર મોદીના એક ભાષણે તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા. દેશ અને સમાજ માટે કંઈક કરવાની ભાવનાએ જ તેમને ભાજપ તરફ આકર્ષ્યા અને રાજકારણમાં સક્રિય બનવા પ્રેરણા આપી. મુકેશ રાઠવાએ જણાવ્યું કે સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા કરવાની ભાવના સાથે તેઓ જયંતિભાઈ રાઠવાને મળ્યા અને ચૂંટણી પ્રચારમાં જોડાયા. પ્રચાર સભાઓમાં ભાષણો સુધીની જવાબદારી તેમણે સંભાળી હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામભાઈ રાઠવા સામે ભાજપને જીત અપાવવામાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ યુવા મોરચા અને સંગઠનમાં વિવિધ જવાબદારીઓ મળતી ગઈ. તેમણે જણાવ્યું કે પ્રદીપસિંહ વાઘેલા અને હર્ષ સંઘવીએ તેમને સંગઠનમાં કામ કરવાની તક આપી અને ત્યાંથી તેમના રાજકીય જીવનને નવી દિશા મળી. ઋત્વિજ પટેલનો ફોન આવ્યો કે મારી રાજ્યસભા માટે પસંદગી થઈ છે- માનસિંહ પરમાર
ભાજપના ત્રીજા ઉમેદવાર માનસિંહ પરમારે જણાવ્યું કે, તેમની પસંદગી અંગે પણ તેમને પૂર્વ જાણ નહોતી. સૌપ્રથમ ઋત્વીજ પટેલનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે હવે વિધાનસભા ચૂંટણી નહીં પરંતુ રાજ્યસભા માટે તમારી પસંદગી થઈ છે. શરૂઆતમાં તેમને વિશ્વાસ આવ્યો નહોતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઉમેદવારોની યાદી જોઈ ત્યારે તેમની પસંદગીની પુષ્ટિ થઈ હતી. માનસિંહ પરમારે જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, તેથી શરૂઆતમાં રાજ્યસભા ઉમેદવારીની વાત પર વિશ્વાસ જ આવ્યો નહોતો. તેમણે કહ્યું કે હજુ સુધી દિલ્હીથી કોઈ ફોન આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નેતાઓને મળીને આભાર વ્યક્ત કરશે. તેમણે એક જૂનો પ્રસંગ યાદ કરતાં જણાવ્યું કે વિધાનસભાની ટિકિટ મળતી વખતે પણ રાત્રે બે વાગ્યે ફોન દ્વારા જાણ થઈ હતી અને તે પણ તેમના માટે સરપ્રાઇઝ હતી. આ વખતે પણ રાજ્યસભાની ઉમેદવારી તેમના માટે એક મોટું સરપ્રાઇઝ બની છે. હું પરિવાર સાથે પ્રવાસમાં હતો ત્યારે ખબર પડી કે મારા નામની જાહેરાત થઈ છે- જીતેન્દ્ર કણઝારિયા
ચોથા ઉમેદવાર જીતેન્દ્રભાઈ કણઝારીયાએ જણાવ્યું કે તેઓ પરિવાર સાથે પ્રવાસ પર હતા ત્યારે સોશિયલ મીડિયા પર રાજ્યસભા ઉમેદવારોની યાદી જોઈ હતી. ત્યારબાદ અભિનંદનના ફોન આવવા લાગ્યા અને ત્યારે જ તેમને પોતાની પસંદગીની ખાતરી થઈ હતી. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમને પણ વિશ્વાસ નહોતો આવ્યો. 'મારા પિતાની જેમ મને પણ સરપ્રાઈઝ મળી'
જીતેન્દ્રભાઈ કણઝારીયાએ પોતાના જીવનની એક યાદગાર ઘટના શેર કરતાં જણાવ્યું કે વર્ષ 2007માં તેમના પિતા મેઘજીભાઈ ડાહ્યાભાઈ કણઝારીયાને વિધાનસભાની ટિકિટ મળી હતી, તે પણ સમગ્ર પરિવાર માટે સરપ્રાઇઝ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે 4 ડિસેમ્બર 2007ના રોજ તેમના જન્મદિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમને મળ્યા હતા, જે ઘટના આજે પણ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. ભાજપે રાજ્યસભા માટે જાહેર કરેલા ચારેય ઉમેદવારોની વાતોમાં એક સમાનતા જોવા મળી રહી છે. ચારેય નેતાઓએ દાવો કર્યો છે કે ઉમેદવારીની તેમને પૂર્વ જાણ નહોતી અને પાર્ટીના નિર્ણયની જાણ અચાનક ફોન અથવા સોશિયલ મીડિયા મારફતે થઈ હતી. ભાજપે બ્રાહ્મણ, આદિવાસી અને ઓબીસી સહિત વિવિધ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે હવે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા આ નવા ચહેરાઓ પર સૌની નજર રહેશે. આ સમાચાર પણ વાંચોઃ
ભાજપે ચોંકાવ્યા, રાજ્યસભાના ચાર ઉમેદવારમાંથી ત્રણનું RSS કનેક્શન ગુજરાતની 11 રાજ્યસભા સીટમાંથી 4 સીટની 18 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભાજપે તમામ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે ભાજપે તેની જૂની પેટર્નની જેમ આ વખતે પણ તદ્દન નવા જ ચહેરા મેદાનમાં ઉતારીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. જો કે આ વખતે માત્ર ઉમેદવારો જ નહીં, તેનું બેકગ્રાઉન્ડ તથા ઉંમર પણ આંચકો આપનારી છે. આ ચારેય ઉમેદવારમાં ત્રણનું બેકગ્રાઉન્ડ સીધું RSSનું છે. જ્યારે એક પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. તેમજ સૌરાષ્ટ્રના બે તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી એક એકને ઉમેદવાર બનાવ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી ગુજરાતની રાજ્યસભાની 11માંથી ખાલી પડેલી 4 બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાવાની છે. સોમવારે ઉમેદવારી માટેનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. સંખ્યાબળ જોતા ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →