રાજ્યસભા માટે ભાજપના મૂરતિયા આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે:મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે,ઉલટફેર ન થાય તો ચારેય બેઠક પર ભાજપની જીત નિશ્ચિત
ગુજરાતની રાજ્યસભાની 11માંથી ખાલી પડેલી 4 બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાવાની છે. જેના માટે આજે ઉમેદવારીનો અંતિમ દિવસ છે. ગુજરાતની ખાલી પડેલી ચારેય બેઠકો પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારો આજે 12.39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.ફોર્મ ભરતી સમયે ઉમેદવારોની સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સંખ્યાબળ જોતા ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. પાતળી સરસાઈથી વિધાનસભા ચૂંટણી હારનારા માનસિંહ સાંસદ બનશે
માનસિંહ પરમાર તો 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સોમનાથ બેઠક પર કૉંગ્રેસના વિમલ ચુડાસમા સામે અંતિમ રાઉન્ડ સુધી કાંટે કી ટક્કર ચાલી હતી. જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા અને માનસિંહ પરમારનો હતા. ચૂંટણી પહેલાં સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગામનાને જીતાડવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચોરવાડ ગામના રહેવાસી છે. ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ચાર ઉમેદવાર
રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભાજપ દ્વારા રાજુ શુક્લ, જીતેન્દ્ર કણઝારિયા, ડો. મુકેશ રાઠવા અને માનસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ ઝીરો પર આવશે
ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે. ચૈતરને પડાકરવા મુકેશ રાઠવાને મેદાને ઉતાર્યા
આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ ચૈતરની જેમ યુવા અને હાઇલી એજ્યુકેટેડ છે. રાજ્યસભાની ચૂંટણીઓ આ રીતે યોજાય છે
રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ જનતા દ્વારા નહીં, ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. ચૂંટણીઓ દર બે વર્ષે યોજાય છે કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે, અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વનિર્ધારિત છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 છે.
Read Original Article →