ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર:સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની પ્રોફાઈલ
ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપે તૈયારીઓ તેજ કરી છે. મુખ્યમંત્રીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચના અને ઉમેદવારોના સમર્થનમાં જરૂરી આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ દરમિયાન તમામ ભાજપ ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, સોમવારે એટલે કે 8 જૂનના ભાજપના તમામ ચાર ઉમેદવારો વિજય મુહૂર્તમાં રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરશે. જ્યારે 18 જૂને મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરિફ થઈ જશે. આ ઉમેદવારોમાં જીતેન્દ્ર કણઝારીયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારીયાના પુત્ર છે. જ્યારે રાજુ શુક્લએ એક મહિના પહેલાં જ બાયપાસ સર્જરી કરાવી છે અને આજે તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. થોડા વર્ષ પહેલાં તેઓ સક્રિય પત્રકારત્વમાં પણ હતા. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે.
Read Original Article →