સાહેબ મિટિંગમાં છે:કેબિનેટ મંત્રી પૂર્વ IPSની ઓફિસમાં ગયા ને ચર્ચાઓનો વંટોળ ફુંકાયો, ધારાસભ્યો જીદ્દે ચઢ્યા ને કલાકો સુધી ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... અમદાવાદના એક વિસ્તારમાં આવેલી એક સરકારી ગાડી અને પોલીસ કમાન્ડોની તૈનાતગીથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ગાડીઓના કાફલાને જોતા લાગતું હતું કે, કોઈ વીઆઈપીની એન્ટ્રી થઈ છે. લગભગ 50 મિનિટ સુધી રોકાયા બાદ આ કાફલો એસપી રીંગ રોડ થઈને ગાંધીનગર તરફ જવા રવાનો થયો હતો. ત્યાર બાદ આસપાસના લોકોએ પણ પોતાની રીતે તપાસ કરાવી હતી અને વોટ્સએપ યુનિવર્સિટીમાં તેનો રિપોર્ટ આપ્યો હતો. જે મુજબ, એક કેબિનેટ મંત્રી કોઈને મળવા આવ્યા હતા. કોને એટલે એક પૂર્વ આઈપીએસ ઓફીસરને. સચિવાલયમાં ચર્ચા છે કે, આ આઈપીએસ અધિકારીનુ જમીન કૌભાંડમાં નામ ઉછળેલું છે. છેક વડાપ્રધાન સુધી ફરિયાદો પહોંચી હતી. ત્યાર બાદ આ અધિકારીને સાઈડલાઈન કરી દેવાયા હતા. આખરે તેમને સાઈડલાઈન ગણાતી પોસ્ટ પરથી જ તેઓ નિવૃત્ત થયા હતા. એક સમયે તેમનો દબદબો અદભુત હતો. જો કે, નિવૃત્તિ પછી અને દીલ્હીની કોઈ રહેમનજર નહીં હોવા છતાં હજુ પણ એક કેબિનટે કક્ષાના મંત્રી તેમની ઓફિસે મળવા જાય તે બાબત રહસ્યમય છે. મંત્રીને આ પૂર્વ આઈપીએસ અધિકારીની ઓફિસમાં જઈને મિટિંગ કરવાની શું જરૂર હતી એવા પ્રશ્નો લોકો એકબીજાને પૂછી રહ્યા છે. પંચાલની પરીક્ષા, પાવરફુલ કે નબળા?
ભાજપના થોડો સમય પહેલા જ નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે હવે પડકાર ઉભો થઈ રહ્યો છે. તેઓ પ્રમાણમા યુવાન હોવાથી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તેમજ પીએમ મોદીની ગુડબુકમાં હોવાથી હરીફોને તે બાબત પસંદ નથી આવતી. ઉપરાંત પ્રદેશ પ્રમુખ જેવો મોટો હોદ્દો પણ અપાયો હોવાથી પાર્ટીમાં જ કેટલાક આગેવાનો નારાજ છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. આ વખતે પ્રથમ વખત જ એવું થયું છે કે, ઉમેદવારોની પસંદગીમાં ભાજપમાં આટલો મોટો વિવાદ થયો હોય આવી અનિર્ણાયકતા આ અગાઉ ક્યારેય જોવા મળી નથી. ઉમેદવારોને મેન્ડેટ અપાયા બાદ તે મેન્ડેટને છેલ્લી ઘડીએ રદ કરીને નવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવુ ભાજપમાં થયુ છે. એટલું જ નહી ટિકિટ નહી મળતા જૂના કાર્યકરો-આગેવાનો પહેલી વખત જ સામે આવ્યા છે. તેઓએ સોશિયલ મીડીયામાં પણ ભાજપ સામે બળાપો કાઢ્યો છે. કેટલાય કાર્યકરો-આગેવાનોએ ભાજપમાંથી રાજીનામા ધરી દીધા હતા. રોષ અને આક્રોશ એટલો વ્યાપક હતો કે ભાજપના કાર્યાલય ખાતે અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સચિવાલયમાં ચર્ચા છે કે, આવી સ્થિતિથી પંચાલના હરીફો ખુશ છે. તેઓ અસંતુષ્ટોને વધુ ચાવી ભરી રહ્યા છે. જો આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તો પંચાલ મોટું માથુ થઈને બહાર આવી શકે અને ભવિષ્યના સીએમપદના દાવેદાર બની જાય. આમ ન થાય તે માટે ભાજપની જ અંદરના નેતાઓએ પંચાલને પાડી દેવા માટેના સોગઠા ગોઠવવાનુ શરુ કરી દીધું છે. ઇન્ચાર્જ રાજમાં ગુજરાત GST, ગરબડના સંકેતો
ગુજરાત GST વિભાગ હાલમાં ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યો છે કારણ કે કમિશનર આરતી કંવર દિલ્હી ડેપ્યુટેશન પર જતા પોસ્ટ ખાલી થઈ ગઈ છે અને તેનો ચાર્જ નાણા સચિવ ટી. નટરાજનને સોંપાયો છે, સાથે જ બે મહત્વની પોસ્ટ પણ ખાલી હોવાથી આખું તંત્ર એડજસ્ટમેન્ટથી ચાલે છે અને ચૂંટણી સુધી આ જ સ્થિતિ યથાવત રહેવાની ચર્ચા છે; આ વચ્ચે નોંધણી રદ પ્રક્રિયા સહિત કેટલીક બાબતોમાં ગરબડના સંકેતો મળી રહ્યા છે અને અંદરખાને એવી પણ ચર્ચા છે કે ઓડિટ દરમિયાન પણ આવી ખામીઓ પર ટિપ્પણી કરવામાં આવી છે, જેના કારણે વિભાગની કાર્યક્ષમતા અને આવક પર અસર અંગે સવાલો ઉઠી રહ્યા છે. જીએસ મલિક IPS એસોસિએશનને પ્રેસિડન્ટ બન્યા
લાંબા સમયથી ખાલી રહેલી IPS એસોસિએશનની પ્રેસિડેન્ટ પોસ્ટ હવે ભરાઈ ગઈ છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને સર્વાનુમતે આ જવાબદારી સોંપાઈ છે.ખાસ કરીને રાજકીય નેતાઓ દ્વારા પોલીસ પર કરવામાં આવતી ટીકા સામે કડક વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. હોમ સેક્રેટરી નીપુણા તોરવણે સેક્રેટરી અને એન્ટીકરપ્શન ડાયરેક્ટર પીયૂષ પટેલ ઉપપ્રમુખ બનતાં આખી ટીમ તૈયાર થઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે આ એસોસિએશન ખરેખર મેદાનમાં ઉતરે છે કે કાગળ સુધી જ સીમિત રહે છે. ‘રમતોત્સવ’માં CM ન આવ્યા, 7 દિવસ પછી DyCMના ફોટો ચમક્યા
ગાંધીનગરના રમતોત્સવ-2026માં ખેલાડીઓ કરતાં વધુ ચર્ચા બેનરોની થઈ રહી છે. 1 એપ્રિલે કાર્યક્રમની શરૂઆત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો અને નામ સાથેના બેનરો લગાવવામાં આવ્યા હતા, કારણ કે તેઓ કાર્યક્રમમાં આવવાના હોવાનું કહેવાતું હતું. પરંતુ મુખ્યમંત્રી આવ્યા નહીં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો, તેમ છતાં થોડા દિવસ સુધી એ જ બેનરો યથાવત્ રહ્યા. ત્યારબાદ તાજેતરમાં જ અચાનક તમામ બેનરો બદલાઈ ગયા અને તેમાં ગાંધીનગરના પ્રભારી તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ અને ફોટો મૂકાઈ ગયો. કાર્યક્રમ તો 1 એપ્રિલથી શરૂ થઈ ગયો હતો, પરંતુ થોડા દિવસ પછી ક્રેડિટ અને ચહેરો બદલાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ માત્ર મોડો થયેલો સુધારો છે કે પછી પાછળ કોઈ અલગ જ સંદેશો છુપાયેલો છે. ‘બિનહરીફ’ની બુમો પહેલાં જ! ભાજપના આંકડાઓ પર સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજુ પ્રક્રિયામાં છે, પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા 135થી વધુ સીટો બિનહરીફ થયાનો દાવો કરી દેવામાં આવ્યો છે. હકીકતમાં હજુ ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી નથી થઈ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા છે કે આ ‘પોલિટિકલ નેરેટિવ સેટિંગ’ છે કે ખરેખર આંકડા સત્તાવાર છે? વિરોધપક્ષ પણ આ મુદ્દે ટિપ્પણીઓ શરૂ કરી શકે તેવી શક્યતા છે. એક ઉમેદવારને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં ભૂલ થઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસના એક દિવસ પહેલા જ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે થઈને ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે ખૂબ જ તકલીફ પડી હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક ઉમેદવારને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવામાં ભૂલ થઈ હતી કેટલાક ડોક્યુમેન્ટ પણ તરત મળ્યાં નહોતા. જેને લઈને ફોર્મ ભરાઈ નહીં અને ડમી ઉમેદવારનું ફોર્મ ફાઈનલ થઇ જાય એવી સ્થિતિ હતી. ડોક્યુમેન્ટો અધૂરા અને ફોર્મ અધૂરું હોવાના કારણે ભાજપના નેતાઓમાં દોડધામ મચી હતી. છેલ્લી ઘડીએ દોડધામ મચી
કેન્દ્રીય ગૃહ મંત્રીના મત વિસ્તારમાં ઉમેદવારના ફોર્મની યોગ્ય ચકાસણી કર્યા વિના જ અને ડોક્યુમેન્ટો પુરા છે કે નહીં એની કામગીરીની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવતા છેલ્લી ઘડીએ દોડધામ મચી હતી. ભાજપના અનેક ઉમેદવારોના ફોર્મ માટે કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત ઓફિસ ખાતે પણ કાર્યકર્તાઓને સતત દોડવું પડ્યું હતું. ભાજપની છેલ્લી ઘડીની જાહેરાત કેટલાક ઉમેદવારો માટે ફોર્મ ભરવામાં ભૂલ પણ સાબિત થઈ શકે એવી સ્થિતિ હતી. ટિકિટને લઈ પ્રદેશ હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે બરાબરની જામી
ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં પ્રદેશના નેતાઓએ આખરી સમય સુધી નામો જાહેર કર્યા નહીં. પ્રદેશના નેતાઓ, શહેર હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે કોને ટિકિટ આપી એને લઈને આંતરિક ખેંચતાણ થઈ હતી. પૂર્વ કોર્પોરેટરોથી લઈ અને મજબૂત દાવેદાર ગણાતા એવા નેતાઓને ટિકિટ ન મળવા પાછળનું મુખ્ય કારણ ધારાસભ્યો હોવા અંગેની ચર્ચા જાગી છે. ધારાસભ્યો પોતાના માનીતા લોકોને ઉમેદવાર બનાવવા માંગતા હતા. ધારાસભ્યો પોતાની મનમાની કરાવીને જ જંપ્યા
ધારાસભ્યોએ પાર્લામેન્ટરી બોર્ડમાં પોતાની ઉગ્ર રજૂઆતો કરી હતી અને તેમની મનમાની છેલ્લે સુધી કરાવી અને ધારાસભ્યો પોતાના જ માનીતા લોકોને ઉમેદવાર બનાવવામાં સફળ રહ્યા હતા. ધારાસભ્યોનો હઠાગ્રહ ચૂંટણીમાં પૂર્વ કોર્પોરેટરો અને નારાજ કાર્યકર્તાઓથી ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે એવી ચર્ચા છે. શહેર ભાજપ કાર્યાલય પર પોલીસ ગોઠવવી પડી
અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું અને બપોરે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત કરી હતી. ઉમેદવારો નક્કી થતાની સાથે જ ભાજપના કેટલાક વોર્ડ અને વિધાનસભામાં આંતરિક ભડકો થયો હતો. જેને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી થઈ હતી સોશિયલ મીડિયામાં પણ અનેક મેસેજો ફરતા થયા હતા ત્યારે ભાજપ કાર્યાલય ઉપર બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. મોડી રાત સુધી નેતાઓ કાર્યકર્તાઓને મનાવવા જાગ્યા
ઉમેદવારોની યાદી જાહેર થતા જ આ આંતરિક રોષ વધુ ફેલાયો હતો. ભાજપમાં આંતરિક રોષ ફેલાતા શહેર પ્રમુખે તેને ડામી દેવા તમામ નેતાઓને સુચના આપી દીધી હતી. જેના પગલે ભાજપના કેટલાક નેતાઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં મોડી રાત સુધી ફર્યા હતા. મોડી રાત સુધી નેતાઓ કાર્યકર્તાઓને મનાવવા જાગ્યા હતા. મોડી રાત સુધીનો ઉજાગરો નેતાઓને ફળ્યો હતો અને બીજા દિવસે ખાનપુર કાર્યાલય ખાતે કોઈપણ કાર્યકર્તા વિરોધ કરવા આવ્યો નહોતો. તેમાં પણ કેટલીક જગ્યાએ નિયમો સાઈડમાં મૂકી માનીતા લોકોને સ્થાન આપી દેવામાં આવ્યું છે. જોકે કેટલાક લોકોને સાચવવા માટે પણ ઈચ્છા ન હોવા છતાં પણ નિયમો નેવે મૂકી ટિકિટ આપવી પડી છે. અમદાવાદમાં ચારથી પાંચ જેટલા વોર્ડમાં આ રીતે ટિકિટ આપી છે. જેનો ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, દરેક કાર્યકર્તા સમાન હોય છે એવી વાતો માત્ર બેઠકોમાં અને જાહેરમાં કરવામાં આવે છે. પરંતુ જ્યારે ખરેખર સમય આવતો હોય છે ત્યારે વહાલા દવલાની નીતિ જ અપનાવવામાં આવતી હોય છે. જેનો કેટલાક કાર્યકર્તાઓ પરચો મળી જતા પાર્ટીમાં હવે નિષ્ક્રિય થવાની તૈયારી કરી લીધી છે. ટ્રાફિક વિભાગ અને AMC વચ્ચેના સંકલનને લઈ સવાલો
અમદાવાદના મુખ્ય જંકશનનો ઉપર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા જંકશન ડેવલોપમેન્ટ પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોય છે. જેમાં દરરોજના કેટલા વાહન પસાર થાય છે અને ચાર રસ્તા છે તો ત્યાં કેટલો ટ્રાફિક હશે તેની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. પરંતુ હવે તેની કામગીરીમાં ટ્રાફિક પોલીસ મેદાને ઉતરી છે. ટ્રાફિક દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર વચ્ચે ડિવાઈડર બંધ કરી અને 100 મીટર દૂર કટ આપવામાં આવી રહ્યો છે. આ સમસ્યાને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન લાખો રૂપિયા જંકશન ડેવલોપમેન્ટ પાછળ ખર્ચ કરવા જઈ રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ મોટા જંકશનો પર ડિવાઈડર બંધ કરી રહી છે. કેટલીક જગ્યાએ જંકશન ડેવલોપમેન્ટના ખર્ચ કરી દીધા બાદ પણ આ સ્થિતિનું નિર્માણ થતાં ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલન પર મોટો સવાલ ઊભો થયો છે. એક ઉચ્ચ નેતાને મળવા દેવામાં પણ નામો નક્કી કર્યા
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈને આંતરિક ખેંચતાણ અને જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં ભારે વિરોધ અને રોષ છે, ત્યારે કાર્યકર્તાઓને હજી પણ ભાજપના નેતાઓ અવગણના કરતા હોય એવી સ્થિતિ અમદાવાદમાં એક ઉચ્ચ નેતા આવવાના હતા ત્યારે જોવા મળી હતી. અમદાવાદમાં ભાજપના ઉચ્ચ નેતા મુલાકાત લેવા આવવાના હતા, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા પણ આ કાર્યકર્તાઓને ઉભા રહેવા દેવાની ના પાડી દીધી હતી, જેટલા લોકોના નામ બોલે એટલા લોકોને જ નેતાને મળવા માટે ઊભા રાખવા માટે કહ્યું હતું. જેને લઈને ભાજપના કાર્યકર્તાઓએ પ્રમુખ અને અન્ય નેતાઓને સંભળાવી દીધું હતું કે જો ઊભા જ રાખવાના નહોતા તો પછી અમને બોલાવ્યા કેમ છે. કાર્યકર્તાઓની જરૂર હોય ત્યારે જ બોલાવવામાં આવતા હોય છે અને જ્યારે કોઈ નેતા આવ્યા તો તેમને મળવા દેવા માટે ઊભા રાખવા દેવામાં આવતા નથી જેને લઇને કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કેટલાક નેતાઓએ વચ્ચે પડી અને સમગ્ર મામલો થાડે પાડ્યો હતો.
Read Original Article →