ઈંધણ બચત માટે ગુજરાત પોલીસનો મોટો નિર્ણય:હવે પોલીસ વિભાગની તમામ મીટિંગો વીડિયો કોન્ફરન્સથી થશે, બિનજરૂરી મુસાફરી ટાળવા DGPનો આદેશ

Gujarat5/13/2026, 1:45:56 PM
ઈંધણ બચત માટે ગુજરાત પોલીસનો મોટો નિર્ણય:હવે પોલીસ વિભાગની તમામ મીટિંગો વીડિયો કોન્ફરન્સથી થશે, બિનજરૂરી મુસાફરી ટાળવા DGPનો આદેશ
રાજ્યમાં ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે ગુજરાત પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા તમામ શહેર-જિલ્લાના પોલીસ વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં પોલીસ વિભાગની કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવા સાથે બિનજરૂરી ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સ ફરજિયાત વીડિયો કોન્ફરન્સથી થશે DGPએ સ્પષ્ટ જણાવ્યું કે હવે વિભાગની તમામ પ્રકારની મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સ ફરજિયાત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ યોજાશે. ઉપરાંત તપાસ અને સુપરવિઝન સંબંધિત ચર્ચાઓ માટે પણ અધિકારીઓએ ટેલિફોનિક અથવા ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવાનો રહેશે. એસ્કોર્ટ અને પાયલોટિંગ વ્યવસ્થામાં ફેરફાર હવે માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા મળશે. સામાન્ય સંજોગોમાં ગાઈડ-કાર અથવા પાયલોટિંગ ટાળવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સ્થિતિમાં શહેર વિસ્તારમાં મોટરબાઈક અને હાઈવે પર ફોર-વ્હીલરનો ઉપયોગ કરાશે. વીડિયો કોન્ફરન્સથી સાક્ષી અને જુબાનીની પ્રક્રિયાને પ્રાથમિકતા કોર્ટની કામગીરીમાં પણ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સરકારી વકીલો સાથે બ્રિફિંગ માટે અધિકારીઓએ રૂબરૂ હાજર રહેવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમ અપનાવવા જણાવાયું છે. ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ દ્વારા સાક્ષી અને જુબાનીની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી સમય અને ખર્ચ બંનેમાં બચત થઈ શકે. બંદોબસ્ત વ્યવસ્થામાં પણ ખર્ચ ઘટાડવા માટે નજીકના પોલીસ સ્ટેશનોમાંથી જ સ્ટાફ ફાળવવા સૂચના આપવામાં આવી છે. સ્ટાફ માટે ચોક્કસ પીક-અપ પોઈન્ટ નક્કી કરી એક જ વાહનમાં મુસાફરી કરવા અથવા જરૂરી હોય ત્યાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પણ ભાર મૂકાયો હતો. રાજ્ય પોલીસ વડાના આ આદેશોને પોલીસ વિભાગમાં કરકસર સાથે ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ તરફના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યા છે.
Read Original Article →